સગીરાને કૉલ્ડ કોફી પીવડાવી તેના જ ઘરમાંથી ઘરેણાં ચોર્યાં બેસ્ટ ફ્રેન્ડે

પુણે: પુણેમાં સગીરાને તેની જ બેસ્ટ ફ્રેન્ડે ઘેનયુક્ત કોલ્ડ કોફી પીવડાવીને ઘરમાંથી પાંચ લાખથી વધુની કિંમતનાં ઘરેણાં ચોર્યાં હતાં. ભારતીય વિદ્યાપીઠ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ પુણે સ્ટેશનથી યુવતીને તાબામાં લીધી હતી અને તેની પાસેથી ચોરીના ઘરેણાં જપ્ત કર્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પુણેના સિંહગઢ કોલેજની નજીક એમરાઇડ સોસાયટીમાં ગયા મહિને આ ઘટના બની હતી. આ સોસાયટીમાં રહેતી સગીરાના ઘરે 6 માર્ચે તેની બેસ્ટ ફ્રેન્ડ આવી હતી. તે કોલ્ડ કોફી સાથે લઇ આવી હતી, જે તેણે સગીરાને પીવા માટે આપી હતી. કોલ્ડ કોફીમાં ઘેનની દવા ભેળવેલી હતી, જેને પીધા બાદ સગીરા બેભાન થઇ ગઇ હતી.
આ પણ વાંચો: અંજારમાં નિઃસંતાન દંપતીના ઘરમાંથી પરિચિત મહિલાએ ચોર્યાં ૯.૩૦ લાખના ઘરેણાં !
તકનો લાભ લઇને બેસ્ટ ફ્રેન્ડે સગીરાના ઘરના કબાટમાંથી પાંચ લાખથી વધુની કિંમતના દાગીના ચોરી લીધા હતા. બાદમાં તે ત્યાંથી રફુચક્કર રહી હતી. દરમિયાન સગીરા ભાનમાં આવ્યા બાદ તેની ફ્રેન્ડ નજરે પડી નહોતી. શંકા જતાં તેણે ઘરમાં તપાસ કરતાં કબાટમાં રાખેલા દાગીના ગાયબ હતા. આથી તેણે ફ્રેન્ડનો સંપર્ક સાધીને પૂછપરછ કરતાં તેણે ચોરીની કબૂલાત કરી હતી અને દાગીના પાછા આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું. જોકે વારંવારની માગણી છતાં તેણે દાગીના પરત કર્યા નહોતા, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.