બીડમાં સરપંચની હત્યા: એમસીઓસીએ કોર્ટે ચાર આરોપીને છોડી મૂકવાનો ઇનકાર કર્યો

મુંબઈ: બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં વિશેષ કોર્ટે ચાર આરોપીને છોડી મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ચારેય સામે કાર્યવાહી કરવા માટે ‘પૂરતા પુરાવા’ છે.
આરોપીઓ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટના સભ્યો હોવાનું જણાય છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં તેઓ સામેલ હતા, એમ એમસીઓસીએ જજ વી.એચ. પટવાડકરે 11 નવેેમ્બરે આપેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું.
ચાર આરોપીમાં પ્રતીક ઘુલે, સુધીર સાંગળે, મહેશ કેદાર અને જયરામ ચાટેનો સમાવેશ છે, જેમણે એવો દાવો કરીને આ કેસમાંથી મુક્તિ માગી હતી કે ‘તેઓ નિર્દોષ અને તેમને તેમને રાજકીય હેતુથી ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની સામે એમસીઓસીએ હેઠળ કેસ બનતો નથી.
આપણ વાચો: મારા ભાઇના હત્યારાઓને ફાંસી જ થવી જોઇએઃ મૃતક સરપંચના ભાઇ…
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું 9 ડિસેમ્બર, 2024ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરાઇ હતી.
રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીબીના નેતા ધનંજય મુંડેના નિકટવર્તી અને મુખ્ય આરોપી વાલ્મીક કરાડ સહિત આઠ જણની એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ), એસસી-એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)



