બીડમાં પોલીસ ટીમે 10 કિ.મી. સુધી પીછો કરીને ચાર લૂંટારાને ઝડપી પાડ્યા…

બીડ: બીડ જિલ્લામાં પોલીસની ટીમે ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલી ટોળકીના ચાર જણને 10 કિલોમીટર સુધી પીછો કરીને ઝડપી પાડ્યા હતા. 12 ડિસેમ્બરેના રોજ આ ઘટના બની હતી અને આરોપીઓને પકડી પાડવા સ્થાનિકોએ પોલીસની મદદ કરી હતી.
મધ્ય પ્રદેશની આ ટોળકીના સભ્યો બીડ, અંબાજોગાઇ અને ગેવરાઇ તહેસીલમાં સક્રિય હતા અને તેઓ લગ્ન સમારંભોમાં મહેમાન અથવા ભીક્ષુક બનીને પ્રવેશતા હતા અને સોનાના દાગીના ચોરી લેતા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઘણા કિસ્સાઓમાં બૅંકમાંથી રૂપિયા કઢાવીને નીકળતા ગ્રાહકોને આરોપીઓએ ટાર્ગેટ કર્યા હતા અને તેમની બેગ આંચકી હતી. તેઓ ગ્રાહકોનું ધ્યાન ભટકાવવા માટે તેમનાં કપડાં પર ટોમેટો સોસ નાખતા હતા અને રોકડ તથા કીમતી વસ્તુઓ લૂંટી ફરાર થતા હતા.
12 ડિસેમ્બરે ચાર આરોપી ચોરેલી મોટરસાઇકલ લઇને લૂંટ ચલાવવાના ઇરાદે બીડના કૈજ ખાતે આવ્યા હતા, પણ લૂંટની યોજના નિષ્ફળ ગઇ હતી.તપાસકર્તા અધિકારીના જણાવ્યા અનુસાર આ ટોળકીએ અગાઉ નંદુરબારમાં બેગ-લિફ્ટિંગના ગુના આચર્યા હતા અને ચોરેલાં નાણાં સાથે બીડમાં પ્રવેશ્યા હતા.
તેમણે બાદમાં કૈજ ખાતે બૅંકમા લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી, પણ યોજના નિષ્ફળ ગઇ હતી અને તેમને ત્યાંથી મોટરસાઇકલ પર ભાગી છૂટવું પડ્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને શંકા જતાં તેમણે આરોપીઓનોે પીછો કર્યો હતો.
પોલીસ ટીમે કૈજથી 10 કિલોમીટર દૂર મસ્સાજોગ સુધી આરોપીઓનો પીછો કર્યો હતો અને તેમને તાબામાં લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરેલી મોટરસાઇકલ અને મોબાઇલ જપ્ત કર્યા હતા. આરોપીઓની ઓળખ બાદલ કૃષ્ણા સિસોદિયા, કાલા ઉર્ફે રિતિક મહેશ સિસોદિયા, દીપક દિલીપ સિસોદિયા અને જસવંત સિસોદિયા તરીકે થઇ હતી. (પીટીઆઇ)



