બીડમાં નેશનલ હાઈવે પર બર્નિંગ કાર: ચારનો બચાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બીડ જિલ્લામાં મંગળવાર મધરાત બાદ હાઈવે પર ચાલુ કારમાં શોર્ટસર્કિટ થઈને આગ ફાટી નીકળી હતી. આગમાં સવાર બે બાળક સહિત ચારનો ચમત્કારિક બચાવ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હાઈવે ટ્રાકિફ પોલીસે મંગળવારે રાતના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે પર કારમાં આગ લાગ્યા બાદ તેમાં સવાર પતિ-પત્ની અને તેમના બંને બાળકોને બચાવી લીધા હતા..
પોલીસના જણાવ્યા મુજબ આ કાર પરભણી જિલ્લામાં આવેલા ગંગાખેડ તરફ જઈ રહી હતી ત્યારે ધુળે-સોલાપુર નેશનલ હાઈવે પર માંજરસુંબા ઘાટમાં તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
આપણ વાચો: કારમાં AC ચાલુ રાખીને ઊંઘવું જોખમી: આ 2 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર જશે જીવ
કારમાં શોર્ટસર્કિટ થયા બાદ પણ તે હાઈવે પર દોડી રહી હતી અને તે બાબતે કારનો માલિક અજાણ હતો અને એ બાદ અચાનક કાર ઘાટ સેકશનમાં પહોંચી ત્યારે તેમાં આગ ફાટી નીકળી હતી. ભારે ટ્રાફિકથી ધમધમતા આ હાઈવે પર કારમાં આગ લાગ્યા બાદ થોડા સમય માટે વાતાવરણ તંગ થઈ ગયું હતું.
હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલા ટ્રાફિક પોલીસને આગની જાણ થતા તેણે તરત ઘટનાસ્થળે પહોંચીને કારમાં રહેલા પતિ-પત્ની સહિત બે બાળકને બળતી કારમાંથી બહાર કાઢયા હતા. હાઈવેની આજુબાજુ રહેલા સ્થાનિકોની મદદથી આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું અને બાદમાં કારને બાજુએ કરીને હાઈવે પરનો ટ્રાફિક રેગ્યુલર કરવામાં આવ્યો હતો.



