દેવું વસૂલવા લગ્નમાં હંગામો કરવાની ધમકી આપનારા મિત્રને વરરાજાએ પતાવી નાખ્યો

બીડ: દોઢ લાખ રૂપિયાનું દેવું વસૂલવા માટે લગ્નમાં હંગામો મચાવી બદનામી કરવાની બીકે વરરાજાએ પોતાનાં લગ્નની આગલી રાતે જ મિત્રને પતાવી નાખ્યો હોવાની આંચકાજનક ઘટના બીડ જિલ્લામાં બની હતી.
ઉછીનાં આપેલાં નાણાં પાછાં માગનારા યુવાન ચાંદ ઉર્ફે ગુડ્ડુ તંબોલી (30)નો મૃતદેહ સોમવારની સવારે શિરુર કાસર તહેસીલમાં ખોકરમોહ ગામમાં લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. પથ્થરથી માથું છૂંદી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ચાંદે તેના મિત્ર આતિક તંબોલીને દોઢ લાખ રૂપિયાની લોન આપી હતી. રૂપિયા વારંવાર પાછા માગવા છતાં આતિક આપતો નહોતો, એવું ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાચો: હોટેલમાંથી પાર્સલ લઈ આવવાના વિવાદમાં મિત્રને પતાવી નાખ્યો…
આતિકનાં લગ્ન સોમવારે હતાં અને નાણાં પાછાં ન આપે તો લગ્ન સમારંભમાં આવીને હંગામો કરવાની ધમકી ચાંદે આપી હતી. ચાંદ લગ્ન સ્થળે બબાલ કરશે તો સામાજિક બદનામી થવાનો ભય આતિકને સતાવી રહ્યો હતો.
આખરે આતિકે ચાંદને જ પતાવી નાખવાની યોજના બનાવી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. લગ્નની આગલી રાતે આતિકે રૂપિયા આપવાને બહાને ચાંદને નિર્જન સ્થળે બોલાવ્યો હતો. પછી પથ્થરથી માથું છૂંદી ચાંદની હત્યા કરી આરોપી ત્યાંથી પસાર થઈ ગયો હતો, એમ અધિકારીનું કહેવું છે.
પોલીસે જણાવ્યું હતું કે સોમવારની સવારે ચાંદનો મૃતદેહ મળતાં જ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ અને સ્થાનિકોની મદદથી પોલીસે ગુનો ઉકેલ્યો હતો. સોમવારની રાતે આતિકને બીડ શહેરમાંથી તાબામાં લેવાયો હતો. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)



