બીડ જિલ્લામાં એક જ દિવસમાં બે અકસ્માતમાં 8ના મોત: દર્દીને લઇ જઇ રહેલ એમ્બ્યુલન્સનો ભીષણ અકસ્માત

બીડ: બીડ જિલ્લાના અષ્ટી તાલુકામાં આવેલ ધામણગામથી અહમદનગર તરફ દર્દીને લઇ જઇ રહેલ એમબ્યુલન્સ દૌલાવગડ ગામમાં દત્ત મંદિર પાસે ટ્રક સાથે અથડાતા ભીષણ અકસ્માત થયો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાંગવીપાટણના ડો. રાજેશ ઝિંજુર્કે અને એમ્બ્યુલેન્સના ડ્રાઇવર ભરત લોખંડે સહિત ચારનું ઘટના સ્થળે મોત થયું હતું. ઉપરાંત એકને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ એમ્બ્યુલન્સમાં કુલ પાંચ જણ હતાં. જ્યારે બીડના જામખેડ-અહેમદનગર માર્ગ પર ટ્રાવેલ્સની બસને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પણ ચારના ઘટનું સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે 25 મુસાફરોને ઇજા થઇ હતી.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ આષ્ટી તાલુકાના દૌલાવડ ગામ શિવારમાં દત્ત મંદિર પાસે એક ટ્રક ધામણગામથી અહમદનગર તરફ જઇ રહ્યો હતો. રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ વ્યંકટેશ કંપની પાસે ડાબી બાજુએથી વળી રહેલ ટ્રકને પાછળથી આવી રહેલ એમ્બ્યુલન્સે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ભરત સિતારામ લોખંડે (ઉં. 35, રહે. ધામણગામ), મનોજ પાંગુ તિરખુંડે, પપ્પુ પાંગુ તિરખુંડે, તથા ડો. રાજેશ ઝિંજુર્કેનું મોત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીને દવાખાને લઇ જવાની જલ્દીમાં એમ્બ્યુલન્સ પૂર ઝડપે જઇ રહી હોવાનું કહેવાઇ રહ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સ્થાનીકોની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ચારનું મોત થયું છે. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે. મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતગ્રસ્ત એમ્બયુલન્સને રસ્તાની પરથી હટાવી પોલીસે ટ્રાફિક યથાવત શરુ કરાવ્યો હતો.
બીજા અકસ્માતમાં બીડ જિલ્લાના જામખેડ-અહેમદનગર માર્ગ પર આષ્ટા ફાટા પાસે ટ્રાવેલ્સની બસને અકસ્માત થયો હતો. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પણ ચાર લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે 25 મુસાફરોને ઇજા થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે મુસાફરોને બસની બહાર કાઢવામાં ભારે જહેમત ઊઠાવવી પડી હતી.