ઔરંગઝેબ સંબંધી ટિપ્પણી અંગે આઝમીના રાજીનામાની માગણી સાથે વિધાનમંડળના બંને ગૃહોમાં ભારે ધમાલ: ગૃહની કાર્યવાહી ખોરવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમી દ્વારા મોગલ શાસક ઔરંગઝેબની કરવામાં આવેલી પ્રશંસાને મુદ્દો બનાવીને વિધાન મંડળના બંને ગૃહોમાં મંગળવારે ભારે ધમાલ જોવા મળી હતી.
સત્તાધારી મહાયુતિના સભ્યોએ આઝમીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની અને તેમના પર દેશદ્રોહનો ગુનો નોંધવાની માગણી સાથે ધમાલ કરી હોવાથી બંને ગૃહોની કામગીરી આખો દિવસ માટે ખોરવાઈ ગઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે વિપક્ષી મહાવિકાસ આઘાડી દ્વારા વિધાનસભ્ય ધનંજય મુંડેના રાજીનામાને મુદ્દે સત્તાધારી પક્ષને ઘેરવાની તૈયારી કરવામાં આવી હતી, ત્યારે આ મુદ્દો અચાનક આવી પડ્યો હતો.
મંગળવારે ગૃહનું કામકાજ શરૂ થયું કે તરત જ મહાયુતિના સભ્યોએ આઝમી વિરોધી સૂત્રોચ્ચાર ચાલુ કરી નાખ્યા હતા અને તેમની સામે કાર્યવાહીની માગણી કરી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે આઝમી ઔરંગઝેબનો વારસદાર છે, જેમણે મરાઠા શાસક સંભાજી મહારાજને ક્રુર યાતનાઓ આપી હતી અને અત્યંત પાશવી હત્યા કરી હતી.
આપણ વાંચો: અબુ આઝમી દેશદ્રોહી: એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ આઝમી પરની ટીકાનું નેતૃત્વ કર્યું હતું.
વિધાન પરિષદમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અબુ આઝમી આ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ માટે પણ અપમાનાસ્પદ ટિપ્પણી કરી ચૂક્યા છે.
અબુ આઝમી જાણી જોઈને છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન કરી રહ્યા છે. સંભાજી મહારાજની વીરતા અને ઔરંગઝેબની ક્રુરતા લોકોનાં રૂવાંડાં ઊભા કરી નાખે છે, એમ તેમણે કહ્યું હતું.
ઔરંગઝેબે સંભાજી મહારાજને અમાનવીય યાતનાઓ આપી હતી. અબુ આઝમીએ ઔરંગઝેબને સુશાસક ગણાવતાં કહ્યું હતું કે તેમણે મંદિરો બનાવ્યા, પરંતુ હકીકત એ છે કે ઔરંગઝેબે કાશી વિશ્ર્વેશ્વર મંદિર તોડ્યું હતું, એમ શિંદેએ કહ્યું હતું.
મોગલ શાસકે ફક્ત હિંદુઓને જ નહીં, અન્ય ધર્મના લોકોની પણ હત્યાઓ કરી હતી, એમ પણ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: કટ્ટર શત્રુ હવે એક: અબુ આઝમી માટે ઉદ્ધવ જૂથ કરશે ચૂંટણી પ્રચાર
ઔરંગઝેબ જીતીને પણ હારી ગયો, જ્યારે સંભાજી મહારાજ તેમની હિંમતને કારણે પોતાના બલિદાન બાદ પણ જીતી ગયા હતા. તે (ઔરંગઝેબ) રાક્ષસ હતો. એક સાચો મુસ્લિમ પણ આવા દેશદ્રોહીના વારસોને માફ કરશે નહીં. તેમની પ્રશંસા કરવું ખોટું છે, એમ શિંદેએ કહ્યું હતું.
તેમણે એવી માગણી કરી હતી કે આઝમીનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવું જોઈએ. વિધાનસભામાં તેમણે આઝમીને દેશદ્રોહી ગણાવ્યા હતા અને તેમને ગૃહમાં બેસવાનો કોઈ અધિકાર નથી એમ પણ કહ્યું હતું.
સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખને તેમણે છાવા ફિલ્મ જોવાની ભલામણ કરી હતી. ઔરંગઝેબની પ્રસંસા કરવી એ દેશના રાષ્ટ્રીય હીરોનું અપમાન છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સંભાજી મહારાજે નવ વર્ષમાં 70 યુદ્ધમાં વિજય મેળવ્યો હતો, જ્યારે ઔરંગઝેબે મંદિરો તોડ્યા હતા અને પોતાના પરિવારની હત્યા કરી હતી.
આપણ વાંચો: અબુ આઝમીને હરાવવા ભાજપ ‘દાઉદના સાથી’ને શરણે!
ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે આઝમીને ગૃહમાંથી સસ્પેન્ડ કરી નાખવાની માગણી કરી હતી. ભાજપના અતુલ ભાતખળકરે માગણી કરી હતી કે આઝમી સામે દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવે.
શિવસેનાના ગુલાબરાવ પાટીલે પણ આઝમી સામે કાર્યવાહીની માગણી કરી હતી. ભાજપના સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ઔરંગઝેબની કબરને તોડી પાડવામાં આવે.
આ બધી ધમાલની વચ્ચે શિવસેના (યુબીટી)ના ભાસ્કર જાધવ જેમણે વિધાનસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો તેમણે આ બધી ધમાલને નાટક ગણાવ્યું હતું.
આ બધી ધમાલને કારણે વિધાનસભાની કાર્યવાહી ત્રણ વખત ખોરવાઈ હતી અને પછી આખો દિવસ માટે કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
આપણ વાંચો: Assembly Election: અબુ આઝમીનો યુ-ટર્ન, હવે કહ્યું, MVA વિરુદ્ધ નહીં બોલું…
વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ફક્ત આઝમી જ નહીં, રાષ્ટ્રીય મહાપુરુષોનું અપમાન કરનારા બધા જ લોકોને સજા આપવી જોઈએ, તેમણે અભિનેતા રાહુલ સોલાપુરકર અને ભૂતપૂર્વ પત્રકાર પ્રશાંત કોરટકરનાં નિવેદનો ટાંક્યા હતા.
વિધાન પરિષદના સભાપતિ રામ શિંદેએ કહ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય મહાપુરુષોનું અપમાન કરનારા બધા સામે કાર્યવાહી કરવી જોઈએ. આઝમીને મુદ્દે વિધાન પરિષદની કાર્યવાહી બે વખત ટૂંકા ગાળા માટે મોકૂફ રાખ્યા બાદ આખો દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી.
બીજી તરફ મુંબઈ પોલીસે અબુ આઝમી સામેની ટિપ્પણી અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદની તપાસ ચાલુ કરી હતી. સોમવારે આઝમી વિરુદ્ધ થાણેમાં સંસદસભ્ય નરેશ મ્હસ્કે દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. થાણે પોલીસે આ કેસ મુંબઈમાં ટ્રાન્સફર કર્યો હતો અને છેવટે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એફઆઈરઆ નોંધવામાં આવી હતી.