કમનસીબે, ઔરંગઝેબની કબરનું રક્ષણ કરવું પડશે, પણ તેમનું મહિમાગાન નહીં ચલાવી લેવાય: ફડણવીસનું ભિવંડીમાં નિવેદન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઔરંગઝેબની કબર પર ફરી એકવાર રાજકીય આરોપો અને પ્રતિ-આરોપો વધી ગયા છે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરખામણી ઔરંગઝેબ સાથે કરવામાં આવ્યા બાદ ભાજપ આક્રમક બન્યું હતું, ત્યારે એમવીએએ પણ સરકાર પર વળતો પ્રહાર કર્યો હતો અને ઔરંગઝેબની કબરને આપવામાં આવતી સુરક્ષા તરફ ઈશારો કર્યો હતો. આ મુદ્દે હવે, મુખ્ય પ્રધાન ફડણવીસે ભિવંડીમાં એક કાર્યક્રમમાં આ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ભલે આપણે કમનસીબે ઔરંગઝેબની કબરનું રક્ષણ કરવું પડે, પરંતુ અમે મહારાષ્ટ્રમાં તેમનું મહિમાગાન થવા દઈશું નહીં.
આ પણ વાંચો: ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે મહાયુતિમાં તિરાડ, એનસીપીના વિધાનસભ્યે કહ્યું- રહેવા દો
ભિવંડીના મરડે પાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિરનું ઉદ્ઘાટન સોમવારે મુખ્ય પ્રધાન ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ‘છત્રપતિ શિવાજી મહારાજે 18 જાતિના લોકોને ભેગા કર્યા હતા. તેઓ ખેડૂતો અને બલુતેદારોને એકસાથે લાવ્યા હતા. તેમણે તેમનામાં પુરુષત્વનું બીજ રોપ્યું. તેમણે આપણને ભગવાન, દેશ અને ધર્મ માટે લડવા માટે તૈયાર કર્યા. તેમણે વાવેલા બીજને કારણે જ સંભાજી મહારાજ રાજારામ મહારાજ અને તારા રાણીએ પાછળથી સ્વરાજ્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. એએસઆઈએ પચાસ વર્ષ પહેલાથી ઔરંગઝેબની સમાધિનું રક્ષણ કર્યું છે, તેથી મહારાષ્ટ્ર સરકારની પણ જવાબદારી છે કે તેનું રક્ષણ કરે. પરંતુ આ મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની સમાધિ ક્યારેય ગૌરવશાળી નહીં બને,’ એમ ફડણવીસે આ પ્રસંગે કહ્યું.
આ પણ વાંચો: ઔરંગઝેબ મકબરા પર ટોળું ત્રાટકી શકે છે! શાંતિ ડહોળાવાનો ડર, પોલીસ એલર્ટ પર…
હિન્દુત્વવાદી સંગઠનોનું આંદોલન
બીજી તરફ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ રાજ્યભરમાં સોમવારે જિલ્લા કલેક્ટર કચેરીઓની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને છત્રપતિ સંભાજીનગરમાં ક્રૂર સમ્રાટ ઔરંગઝેબની કબર તોડી પાડવાની માગણી કરવામાં આવી રહી છે. આ સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર કબર તોડી નહીં પાડે તો તેઓ કારસેવા દ્વારા આ કાર્ય કરશે.