Aurabzeb tomb raw : જ્યાં કબર છે ત્યાં કેવો છે માહોલઃ કબર અને મંદિર છે બાજુબાજુમાં…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર મામલે હિંસા ફાટી નીકળતા આખા દેશનું ધ્યાન આ ઘટના તરફ ગયું છે. એક મહિના પહેલા આવેલી વિકી કૌશલની ફિલ્મ છાવામાં છત્રપતિ સંભાજી મહારાજને મુગલ બાદશાહ ઔરંગઝેબે આપેલી યાતનાઓ પડદા પર જોઈ ઘણાએ આક્રમક પ્રતિભાવો આપ્યા હતા. ત્યારબાદ હિન્દુ સંગઠનોએ સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર તોડી પાડવાની માગણી કરી હતી અને જો માગણી પૂરી ન થાય તો કારસેવા કરવાની પણ ચીમકી આપી હતી.
આ બાબતને ધ્યાનમાં લઈ સંભાજીનગરમાં કબર આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે નાગપુરમાં આ મામલે હિંસા ફાટી નીકળી અને હજુ પણ સ્થિતિ થોડી તંગદિલ હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે અમુક મીડિયા અહેવાલોમાં સંભાજીનગરમાં કેવો માહોલ છે તે અંગેના અહેવાલો પ્રસારિત થયા છે. આ અહેવાલો અનુસાર અહીં હાલમાં તો શાંતિમય વાતાવરણ છે. અહીંના ખુલ્દાબાદ વિસ્તારમાં આ કબર આવેલી છે. અહીંના સ્થાનિક દુકાનદારો કહે છે કે લગભગ 300 વર્ષથી આ કબર અહીં હોવાનું કહેવાય છે, પરંતુ અમે હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મ જ્ઞાતિના લોકો સાથે રહીએ છીએ, કામધંધો કરીએ છીએ.
આ પણ વાંચો…ઈતિહાસને ડામવા માટે 400 વર્ષ પહેલાનો ઈતિહાસ ખોદ્યોઃ ઉદ્ધવ ઠકારેની ટીકા
જોકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિષય મુદ્દે જ્યારથી વાતાવરણ થોડું તંગ થયું છે ત્યારથી અહીં લોકો ઓછા આવી રહ્યા છે. ફર્શ ગલીમાં ફૂલોની દુકાનો ધરાવતા લોકોનું કહેવાનું છે કે અહીં એક જાણીતું મારૂતિ મંદિર પણ છે. શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. આ વિવાદ જાગતા મંદિરોમાં પણ ઓછા લોકો આવે છે, તેને લીધે આમરા કામધંધાને અસર થઈ રહી છે.
અમે અહીં હળમળીને રહીએ છીએ અને એકબીજાના તહેવારોમાં પણ સામેલ થઈએ છીએ.
અગાઉ નાગપુરમાં થયેલી હિંસાને મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પૂર્વનિર્ધારિત કહી હતી. જોકે આ સાથે તેમણે જણાવ્યું હતું કે ઔરંગઝેબની કબર પ્રોટેક્ટેડ સાઈટની કેટેગરીમાં આવે છે અને તેથી કમનસીબે તેનું રક્ષણ કરવું પડશે, પરંતુ ઔરંગઝેબ ગ્લોરીફાઈ કરતી કોઈ વાત સાંખી લેવાશે નહીં.