ચંદ્રશેખર બાવનકૂળેનું સૂચક વક્તવ્ય, પ્રતાપ ચિખલીકરનો દાવો: અશોક ચવ્હાણની ભાજપમાં પ્રવેશની જોરદાર ચર્ચા
નાંદેડ: ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકૂળેએ કરેલ સૂચક વક્તવ્ય અને સાંસદ પ્રતાપ પાટીલ ચિખલીકરના દાવા બાદ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના ભાજપ પ્રવેશ અંગેની ચર્ચાઓ ફરી થવા લાગી છે. અશોક ચવ્હાણ જલ્દી જ ભાજપમાં પ્રવેશ કરશે એવો દાવો ચિખલીકરે કર્યો છે. તેમના આ દાવાને કારણે રાજ્યના રાજકારણમાં ફરી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહેલાં પણ અશોક ચવ્હાણ ભાજપમાં પ્રવેશ કરશે એવી ચર્ચા થઇ રહી હતી. જોકે ચવ્હાણે જાતે જ આ વાત પર પૂર્ણ વિરામ મૂક્યો હતો. બે દિવસ પહેલાં ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકૂળે નાંદેડના પ્રવાસે આવ્યા હતાં. તે વખતે તેમણે મુખેડ અને નાંદેડમાં સુપર વોરીયર્સ સાથે સંવાદ કર્યો હતો. આ વખતે તેમણે અનેકલોકો ભાજપમાં પ્રવેશ કરવા ઉત્સુક છે એવો દાવો કર્યો હતો.
આવનારા દિવસમાં આ પ્રવેશ પ્રક્રિયા પણ પૂરી થવાની છે. ભાજપનો દુપટ્ટો ગળામાં પહેરવા જે કોઇ ઇચ્છુક હોય એમનું સ્વાગત છે. એવું સૂચક વક્તવ્ય ચંદ્રશેખર બાવનકૂળેએ કર્યું હતું. તેમના આ વક્તવ્ય પર સાંસદ પ્રતાપ પાટીલ ચિખલીકરે પણ અશોક ચવ્હાણના ભાજપમાં પ્રવેશ અંગે દાવો કર્યો હતો. મહાવિકાસ આઘાડીની સત્તા હતી ત્યારે અશોક ચવ્હાણની ભાઉરાવ ચવ્હાણ સહકારી ખાંડ કંપનીને મદદ મળી નહતી. જોકે પ્રવર્તમાન સરકારે આ કંપનીને ખૂબ મદદ કરી છે. ઉપારાંત તેમની માંગણીઓ પણ પૂર્ણ કરી છે. તેથી હવે અશોક ચવ્હાણ ભાજપમાં પ્રવેશ કરશે તેવા દાવા થઇ રહ્યાં હતાં. જોકે હજી સુધી આ અંગે અશોક ચવ્હાણની કોઇ પ્રતિક્રિયા આવી નથી.