ફડણવીસે પંઢરપુરમાં ‘આષાઢી એકાદશી’ની પૂજા કરી, ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

પંઢરપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પંઢરપુરમાં ‘આષાઢી એકાદશી’ નિમિત્તે મહાપૂજા કરી હતી અને ખેડૂતોની સમૃદ્ધિ અને રાજ્યમાંથી તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ માગ્યા હતા.
લાંબા સમયથી ચાલતી પરંપરા મુજબ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દર વર્ષે અષાઢી એકાદશીએ સોલાપુરના પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલ અને દેવી રુક્મિણીને સમર્પિત પ્રખ્યાત મંદિરમાં પ્રાર્થના કરે છે.
ફડણવીસે તેમની પત્ની અમૃતા ફડણવીસ સાથે પૂજા કરી હતી. જાટેગાંવ (નાસિક જિલ્લા)ના વારકરી દંપતી કૈલાસ દામુ ઉગલે અને કલ્પના ઉગલેને મુખ્ય પ્રધાન સાથે મહાપુજાનું સન્માન મળ્યું હતું.
આપણ વાંચો: ‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે
આ ઉજવણી માટે લાખો ‘વારકરી’ (ભગવાન વિઠ્ઠલના ભક્તો) પંઢરપુરમાં એકઠા થયા હતા. મહાપૂજા પછીના પોતાના સંબોધનમાં મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે તેમણે ભગવાન વિઠ્ઠલને એવી પ્રાર્થના કરી છે કે ‘ખેડૂતોને ખુશ અને સંતુષ્ટ રાખે, રાજ્યમાંથી તમામ સંકટ દૂર કરે અને દરેકને સદાચારના માર્ગે ચાલવા માટે શાણપણ આપે.’
આ વર્ષની યાત્રાના કદ અંગે તેમણે કહ્યું હતું કે ‘વારી’ પરંપરા દર વર્ષે વધતી રહે છે. ‘આ વર્ષની વારી (યાત્રા)એ ભક્તોની મોટી સંખ્યામાં હાજરીનો નવો રેકોર્ડ બનાવ્યો છે, ખાસ કરીને યુવાનો, જેમાંથી ઘણા ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ મેળવવા માટે પંઢરપુર સુધી ચાલીને ગયા હતા,’ એમ તેમણે કહ્યું હતું.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે વારીનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. ‘આ યાત્રામાં દરેક ભક્ત ભગવાન વિઠ્ઠલને એકબીજામાં જુએ છે. દુનિયામાં બીજે ક્યાંય આવી પરંપરા જોવા મળતી નથી. વારીમાં હરિના નામનો જાપ નવી ઉર્જા લાવે છે. વારી ભક્તિ ચળવળની સાચી ભાવનાને સમર્થન આપે છે,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: વિજય રેલી નહીં, રૂદાલી સભા હતી! રાજ-ઉદ્ધવના મિલન પર દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો પ્રહાર
રાજ્યના સ્વચ્છતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ફડણવીસે નોંધ્યું હતું કે આ વર્ષની વારી ‘નિર્મળ’ (સ્વચ્છ) અને પર્યાવરણ પ્રત્યે સભાન બંને હતી. તેમણે સ્વચ્છતા પહેલના સફળ અમલની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘અમે ખરેખર અમારા સંતોના ઉપદેશોને સાકાર કર્યા છે જેમણે હંમેશા સ્વચ્છતા પ્રથાઓ પર ભાર મૂક્યો હતો.’
મુખ્યપ્રધાને સ્થાનિક અધિકારીઓ દ્વારા વીઆઈપી દર્શન બંધ કરવાના નિર્ણયની પણ પ્રશંસા કરી, જેનાથી સામાન્ય ભક્તોનો રાહ જોવાનો સમય પાંચ કલાક ઓછો થયો હતો. ‘આ પગલાથી દરેક ભક્તને ભગવાન વિઠ્ઠલના દર્શનની સમાન અને સમયસર પહોંચ મળે તે સુનિશ્ર્ચિત થયું હતું,’ એમ ફડણવીસે કહ્યું હતું.
ગાઉ, વિઠ્ઠલ-રુક્મિણી મંદિર સમિતિના ઉપાધ્યક્ષ ગહિણીનાથ મહારાજે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે આ વર્ષની વ્યવસ્થાએ અસરકારક ભીડ વ્યવસ્થાપન અને સુધારેલી સુવિધાઓ સાથે મોટી સંખ્યામાં વારકરીઓને સંતોષ આપ્યો છે. (એજન્સી)