પુણે જળબંબાકારઃ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મદદ માટે ઈન્ડિયન આર્મીને અપીલ
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં આજે ખડકવાસલા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવ્યા બાદ ડૂબી ગયેલા રહેવાસી વિસ્તારોમાં બચાવ કામગીરી માટે આર્મીની કોલમને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે આર્મીના વરિષ્ઠ એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ વિભાગે એકતા નગર વિસ્તારમાં આવેલી સોસાયટીના કેટલાક સભ્યોને પણ બહાર કાઢ્યા હતા.
પાછલા પખવાડિયામાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રવિવારે પુણે જિલ્લાના ખડકવાસલા ડેમમાંથી ૩૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેથી શહેરના અમુક નીચાણવાળા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ પણ વાંચો: પુણેમાં ચેતવણી વિના ડેમનું પાણી છોડતા પૂર આવ્યાનો આદિત્ય ઠાકરેનો આરોપ
પુણે ડીએમએ એકતા નગર માટે ભારતીય સેનાની ૧ ટુકડી મોકલવા વિનંતી કરી છે કારણ કે ખડવાસલા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ટ્રુપમાં 100થી વધુ જવાનો છે, જેમાં બોમ્બે એન્જિનિયર્સ ગ્રુપ અધિકારીનો સમાવેશ થાય છે. આ ટ્રુપની પાસે મેડિકલ સ્ટાફ, રેસ્ક્યૂ બોટ્સ, ક્વોડકોપ્ટર્સ સહિત અન્ય બચાવ માટે સાધનસામગ્રીથી સજ્જ છે.
સિંહગઢ રોડ (એકતા નગર વિસ્તાર) પર આવેલી દ્વારકા સોસાયટીમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાં આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં પુણે જિલ્લામાં ઘાટ વિભાગમાં ભારે વરસાદ થયો છે.
૨૫ જુલાઈના રોજ, જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારે સિંહગઢ રોડ પર મુથા નદીના કાંઠે અનેક રહેણાંક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.
(પીટીઆઈ)