
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર માટે એક નવું નામ પાડ્યું હતું. મીડિયા સાથે વાત કરતી વખતે, આદિત્યે તેને ‘એપ્રિલ ફૂલ સરકાર’ ગણાવી હતી અને એવો દાવો કર્યો હતો કે સરકાર લોકોને આપેલા વચનો ભૂલી ગઈ છે અને મતદારોને મૂર્ખ બનાવ્યા છે તેથી તેમણે આ નવું નામ આપ્યું છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે સરકાર મહિલાઓને વચન મુજબ 2,100 રૂપિયા આપી શકતી નથી. તેથી મહિલાઓને ફક્ત 1,500 રૂપિયા જ મળતા રહે છે.
આપણ વાંચો: દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરો: ભાવના ગવળી…
તેમણે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના દાવા પર પણ કટાક્ષ કર્યો કે સરકાર ખેડૂતો માટે કોઈ લોન માફીની જાહેરાત કરવાની યોજના બનાવી રહી નથી, ભલે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચૂંટણી પ્રચાર રેલીઓમાં ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી હતી.
‘ચૂંટણી પંચના સૌજન્યથી ચૂંટાયેલી આ સરકાર રાજ્યના લોકોને મૂર્ખ બનાવવાનું ચાલુ રાખે છે,’ એમ ઠાકરેએ કહ્યું હતું.
તેમણે ઘન કચરા વ્યવસ્થાપનના નામે મુંબઈના લોકો પાસેથી વસૂલવામાં આવનારી યુઝર ફીનો મુદ્દો ઉઠાવ્યો હતો. 500 ચોરસ ફૂટના ઘરમાં રહેતા પરિવારને દર મહિને યુઝર ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડે છે.
આપણ વાંચો: આખરે આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆરઃ ગંભીર આરોપો
‘જ્યારે અમારી પાર્ટી પાલિકામાં શાસન કરતી હતી ત્યારે અમે 500 ચોરસ ફૂટ સુધીના ઘર માટે મિલકત વેરો માફ કર્યો હતો અને આ સરકાર અદાણીના લાભ માટે યુઝર ફી વસૂલવા માંગે છે કારણ કે અદાણી ગ્રુપે સરકારને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ સાઇટ સાફ કરવા અને પછી તે ગ્રુપને આપવા કહ્યું છે,’ એમ ઠાકરેએ બીએમસીના ઘન કચરા વ્યવસ્થાપન ઉપ-નિયમોમાં સુધારો કરવા અને 10,000 રૂપિયા સુધીનો યુઝર ફી અને ભારે દંડ વસૂલવાના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો હતો.
લગભગ બે દાયકા પછી બાય-લોઝમાં સુધારો કરવામાં આવશે અને કચરાના સંગ્રહ માટે યુઝર ફી પહેલી વાર લાગુ કરવામાં આવશે. યુવાન વિધાનસભ્યે મુંબઈના લોકોને આ યુઝર ફી કલમનો વિરોધ કરવા અપીલ કરી અને કહ્યું કે તેમનો પક્ષ આવા કોઈપણ પગલાંનો સખત વિરોધ કરશે.