કોંગ્રેસમાંથી વધુ એક ‘વિકેટ’ પડી, મહારાષ્ટ્રમાં ‘ન્યાય યાત્રા’ વખતે નેતાએ ભર્યું મોટું પગલું
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા એક પછી એક પાર્ટી પોતાના ઉમેદવારોની જાહેર કર્યા પછી હવે નવી ઉમેદવારોની યાદીની રાહ જોવામાં આવી રહી છે. સત્તાધારી પાર્ટી સામે બળવો પોકારીને કોંગ્રેસે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ જારી કર્યા પછી આ યાત્રાની મહારાષ્ટ્રમાં એન્ટ્રી વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડતા ચૂંટણી વખતે પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.
ઉત્તર મહારાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને કોંગ્રેસ-એનસીપીની સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગઈકાલે નંદુરબાર જિલ્લામાં પહોંચી હતી. જોકે, આજે પદ્માકર વલવીએ ભાજપમાં જોડાતા સૌથી મોટો ફટકો પડ્યો છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના કદાવર નેતા પદ્માકર વલવીએ કોંગ્રેસમાંથી એક્ઝિટ લઈને ભાજપમાં પ્રવેશ કર્યો છે. આજે પદ્માકરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે, અશોક ચવ્હાણની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પદ્માકર વલવી નંદુરબાર જિલ્લામાંથી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે.
કોંગ્રેસ પાર્ટી પચાસ ટકા ખાલી થઈ જવાનો મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખરે બાવનકુળેએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી આવતા મહારાષ્ટ્ર કોંગ્રેસ પચાસ ટકા ખાલી થઈ જશે. ઠાકરેના નેતાઓ પણ શિંદેની શિવસેનામાં જાય છે, જ્યારે કોંગ્રેસના નારાજ નેતાઓ પણ ભાજપમાં સામેલ થાય છે.
ભાજપના પ્રદેશપ્રમુખ બાવનકુળેએ કહ્યું હતું કે એનડીએની વચ્ચે 80 ટકા બેઠકોની વહેંચણીની વાતચીત થઈ છે, જ્યારે 20 ટકા બાકી છે. આગામી બેથી ત્રણ દિવસમાં ચર્ચા પૂરી કરવામાં આવશે. ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ચવ્હાણે કહ્યું હતું કે જે લોકો કોંગ્રેસમાં પોતાનું નસીબ જોઈ રહ્યા નથી, તેથી અન્ય પાર્ટીમાં જઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી જેમ નજીક આવશે તેમ વધુ લોકો ભાજપમાં જોડાશે. અશોક ચવ્હાણે સીએએ અંગે કહ્યું હતું કે કર્ણાટક અને કેરળની સરકાર તેમાં અવરોધ ઊભો કરે તો નવાઈ નહીં.
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આ અગાઉ પણ ત્રણ દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, બાબા સિદ્દિકી અને મિલિંદ દેવરાએ પક્ષમાંથી એક્ઝિટ લેતા કોંગ્રેસ પાર્ટીને લોકસભાની ચૂંટણી પૂર્વે મોટો આંચકો લાગ્યો છે.