…અને જ્યારે ‘મોટી રકમ’નો ચેક લઈ જવા મહારાષ્ટ્રના ખેડૂતે કરી પોલીસ પ્રોટેક્શનની માગણી
નાગપુર: મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના શિવાની ગામના દિલીપ રાઠોડ નામના ખેડૂતે પાક વીમા પેટે મળેલી અત્યંત મામૂલી 52.99 (બાવન રૂપિયા નવાણું પૈસા) રૂપિયાની રકમ બદલ નારાજી અને આક્રોશ વ્યક્ત કરતાં એવી હરકત કરી છે કે જેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
વાત જાણે એમ છે કે રાજ્યમાં પડેલાં કમોસમી વરસાદના કારણે ખેડૂતના કપાસ અને સોયાબીનના પાકને થયેલા નુકસાનના વળતર પેટે આ રકમ ચૂકવવામાં આવી હતી. નુકસાનના વળતર પેટે ચૂકવવામાં આવેલી રકમ અંગે રોષ અને આક્રોષ વ્યક્ત કરવા માટે દિલીપ રાઠોડે યવતમાળના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી)ને પત્ર લખ્યો છે. પત્રમાં તેણે છ પોલીસની સુરક્ષાની માંગણી કરી છે જેથી પોતે આ ચૂકવવામાં આવેલા વળતરા ચેકને સુરક્ષિત રીતે ઘર સુધી લઈ જઈ શકે.
7મી ડિસેમ્બર, 2023ના દિવસે ખેડૂતે લખેલો પત્ર સોમવારે વિધાન ભવનની બહાર એનસીપીના વિધાનસભ્ય અનિલ દેશમુખે મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. દેશમુખે જણાવ્યું હતું કે હતાશ થયેલા ખેડૂતે પોતાની મુસીબતો હસી કાઢી સરકારના ‘ખેડૂત વિરોધી વલણ’ વિશે કટાક્ષપૂર્ણ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
ખેડૂતને હજારો રૂપિયાનું નુકસાન થયું છે એનો ઉલ્લેખ કરી દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે સરકારની ઠેકડી ઉડાવી રાઠોડે જણાવ્યું હતું કે પાક વીમા પેટે તેને જે ‘ભવ્ય વળતર’ મળ્યું છે એનાથી એની લોન ભરપાઈ થઈ જશે અને બીમાર પત્નીની સારવાર માટે પણ કેટલીક રકમ એ વાપરી શકશે.’ રાઠોડ જેવા ખેડૂતોને ઓછામાં ઓછા 1000 રૂપિયા વીમા પેટે આપવામાં આવશે એવો આદેશ સરકારે આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.