મુંબઇઃ મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર એક દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે. દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી અને તેમાં રહેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સની અંદર રહેલી મહિલા દર્દીનું કમનસીબ મૃત્યુ થયું હતું. જોકે, ડ્રાઇવર અને અન્ય લોકો તેમની જાન બચાવવામાં સફળ રહ્યા હતા.
હાઇવે સ્ટેટ પોલીસ અધિકારી લતા ફાડે જણાવ્યું હતું કે, “આ ઘટના બોરઘાટ ચોકીની સીમા હેઠળના પરિસરમાં બની હતી. અહેવાલ અનુસાર એમ્બ્યુલન્સ ઐરોલીની ન્યુ બૉમ્બે હૉસ્પિટલથી ગુલબર્ગા તરફ જઇ રહી હતી. અકસ્માત થયો ત્યારે એમ્બ્યુલન્સમાં મૃતક સહિત સાત લોકો હતા.
ઓક્સિજન સિલિન્ડર ફાટવાને કારણે એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. તેથી કારને તુરંત રોકવામાં આવી હતી. કાર રોક્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચીંથરા ઉડી ગયેલા જોવા મળ્યા હતા.
આ વિસ્ફોટમાં માત્ર એમ્બ્યુલન્સ જ નહીં પણ તેની નજીક ઊભેલી બાઇકને પણ નુક્સાન થયું હતું. બાઇકસવારને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે એક્સપ્રેસ વે પરનો ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઇ ગયો હતો. એમ્બ્યુલન્સનો કાટમાળ આજુબાજુના વિસ્તારમાં ફેલાઇ ગયો હતો.