રાજ્યમાં 7 મહિનામાં આટલા નવજાતનાં મોતઃ આરોગ્ય પ્રધાને આપી ચોંકાવનારી માહિતી

મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરમાં ચાલતા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યમાં થયેલા નવજાત બાળકોના મૃત્યુને લઈને વિપક્ષોએ સરકાર પર ગંભીર સવાલો કરીને નિશાન તાક્યું હતું. વિપક્ષોના આ સવાલનો જવાબ આપતા રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. તાનજી સાવંતે વિધાનસભામાં નવજાત બાળકોના મોતને લઈને અહેવાલ રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે વર્ષ 2023માં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ઓછામાં ઓછા 4,872 નવજાત બાળકોના મોત થયા છે. એટ્લે રોજ લગભગ 23 નવજાતના મૃત્યુ થયા હોવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
આ અંગે તેમણે કહ્યું હતું કે 4,872માંથી 16 ટકા એટ્લે 795 બાળકના શ્વસન સંબંધિત વિવિધ બીમારીઓને લઈને મોત થયા છે. રાજ્યના મુંબઈ, થાણે, સોલાપુર, અકોલા અને નંદુરબારમાં સૌથી વધુ બાળકોના મોત થયા હતા. મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં નવજાત બાળકો માટે ખાસ 52 રુમ છે. સરકારી હોસ્પિટલોમાં દરેક બીમાર બાળકોને દવા, ચેકઅપ અને પરિવહનની સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે, એવું સાવંતે જણાવ્યું હતું.
રાજ્યમાં બાળકોના મોતને લઈને શિવસેના યુબીટી, કોંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથે સરકારના રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને વિધાનભવનની બહાર વિરોધ પ્રદર્શન કરતાં ચિંતા વ્યક્ત કરી હતી. વિપક્ષના નેતાઓએ સફેદ કોટ, ગાળામાં સ્ટેથોસ્કોપ અને સ્ટ્રેચર લઈને સરકાર સામે વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યાં હતા.