ગૌવંશને કતલ માટે લઈ જવાતા હોવાની અફવા પરથી અકોલામાં તંગદિલી પીછો કરી ગામવાસીઓએ ટ્રક રોકી: પ્રાણીઓને નીચે ઉતારી ટ્રકને સળગાવી નાખી

અકોલા: ગૌવંશને કતલ માટે બે ટ્રકમાં લઈ જવાતા હોવાની અફવાથી અકોલા જિલ્લાના કાનશિવની ગામના રહેવાસીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. પીછો કરીને એક ટ્રક રોકવામાં આવ્યા પછી પ્રાણીઓને નીચે ઉતારી ટ્રકને આગ લગાવી દેવાઈ હતી. આ ઘટના પછી ગામમાં તંગદિલીનું વાતાવરણ હોવાથી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે 9.15 વાગ્યાની આસપાસ કાનશિવની ગામ નજીક બની હતી. ગૌવંશને કતલ માટે લઈ જવાતા હોવાની અફવા ગામવાસીઓમાં ફેલાઈ હતી. પરિણામે કાનશિવનીથી યેળવણ તરફ જઈ રહેલી બે ટ્રકનો ગામવાસીઓએ પીછો કર્યો હતો.
એક ટ્રકને આંતરી રોકવામાં ગામવાસીઓને સફળતા મળી હતી, જ્યારે બીજી ટ્રક સાથે ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. લોકોનો ગુસ્સો જોઈ જે ટ્રક રોકવામાં આવી હતી તેનો ડ્રાઈવર અંધારાનો લાભ ઉઠાવી જંગલ પરિસર તરફ નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચો : ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ અકોલામાં 11 પદાધિકારીઓને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
કહેવાય છે કે રોષે ભરાયેલા લોકોએ ટ્રકમાંનાં પ્રાણી નીચે ઉતારી ટ્રકને આગ લગાડી હતી. બનાવની જાણ થતાં બોરગાંવ મંજુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ગૌવંશની તસ્કરી બાબતે તપાસ કરી રહી છે. ફરાર થઈ ગયેલા ટ્રક ડ્રાઈવરની પોલીસ શોધ ચલાવી રહી છે.
દરમિયાન આ ઘટના બાદ સ્થાનિક પરિસરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પોલીસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા લોકોની સમજાવટ પછી મામલો શાંત પડ્યો હોવાનું કહેવાય છે. લોકોને શાંતિ જાળવવાની અપીલ પોલીસે કરી હતી. દોષી વ્યક્તિઓ સામે સખત પગલાં લેવાની ખાતરી પણ અપાઈ હતી. સુરક્ષાનાં કારણોસર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.