અકોલામાં મેયરની ચૂંટણી તોફાની બનીઃ AIMIM અને કોંગ્રેસ કોર્પોરેટર ઘર્ષણમાં ઉતર્યા, બંગડીઓ ફેંકવામાં આવી

અકોલા/મુંબઈઃ મ્યુનિસિપલ ચૂંટણીઓ બાદ અકોલા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ભાજપના શારદા ખેડકર ચૂંટાયા હતા. ત્યાર બાદ અકોલાના મ્યુનિસિપલ હોલમાં કોંગ્રેસ અને AIMIM કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ AIMIM કોર્પોરેટરો પર બંગડીઓ ફેંકી હતી ત્યાર બાદ ગૃહમાં ભારે હોબાળો થયો હતો. એમઆઈએમ કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના કોર્પોરેટરોએ તેમને ધમકી આપી છે.
ચૂંટણીમાં AIMIMના ત્રણ કોર્પોરેટરો તટસ્થ રહ્યા જેના કારણે બંને જૂથો વચ્ચે દલીલ થઈ અને બોલાચાલી થઈ. કોર્પોરેટરોએ કોંગ્રેસ પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે એમઆઈએમના ત્રણ કોર્પોરેટરો પર દેશદ્રોહી હોવાનો આરોપ લગાવ્યો છે. અકોલા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પહેલો દિવસ જ ધમાલથી ભરેલો રહ્યો.
ભાજપના નેતૃત્વ હેઠળના શહેર સુધારણા આઘાડીના શારદા ખેડકરે 45 મત મેળવીને અકોલા મેયર પદ જીત્યું. તેમણે ઉબાઠાના ઉમેદવાર સુરેખા કાળેને 13 મતોથી હરાવ્યા. કાળેને 32 મત મળ્યા. 3 AIMIM કોર્પોરેટરોએ તટસ્થ વલણ અપનાવ્યું હતું,, જયારે ભાજપના સ્વતંત્ર બળવાખોર નગરસેવક આશિષ પવિત્રકરે આખરે ઘર વાપસી કરી અને ભાજપને મતદાન કર્યું. આમ અકોલામાં ભાજપે ફરી એકવાર સત્તા જાળવી રાખી છે.
ભાજપના અમોલ ગોગે ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે. 80 કોર્પોરેટર ધરાવતા અકોલા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો પછી, ભાજપ ૩૮ બેઠક જીતીને નંબર વન પાર્ટી તરીકે ઉભરી આવ્યો, પરંતુ તે બહુમતીનો આંકડો પાર કરી શક્યો નહીં. તેથી, ભાજપે અજિત પવાર જૂથ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ), શિંદે સેના, મહાનગર વિકાસ આઘાડી અને એક અપક્ષ મળીને કુલ 45 સભ્યો સાથે સત્તા મેળવી.
પરિણામો પછી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મહાપાલિકા પર શાસન મેળવવા માટે મોટો જંગ જોવા મળ્યો. કોંગ્રેસ વંચિતો અને શિવસેના ઠાકરે જૂથની મદદથી સત્તાનો દાવો કરી રહી હતી. પરંતુ ભાજપે રાજકીય રમત રમીને કોંગ્રેસ અને વંચિતોને માત આપી અને મહાનગરપાલિકામાં પોતાની સત્તા જાળવી રાખી. AIMIMના ત્રણ સભ્યોએ તટસ્થ વલણ અપનાવતાં, ભાજપે આ ચૂંટણી 77 માંથી 45 અને સામે 32 મતોના મુકાબલે જીતી લીધી.



