પ્રચારમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ક્યાં? પાંચ રાજ્યના ચૂંટણી પ્રચારથી દૂર રહ્યાં કે રાખવામાં આવ્યા?
મુંબઇ: પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના મિત્ર પક્ષ શિવસેનાના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત કેટલાકં નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતાં. પણ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસને ભાજપે પ્રચારથી દૂર રાખી કે પછી રાષ્ટ્રવાદી જાતે દૂર રહી એ હાલમાં ચર્ચાનો વિષય છે.
એકનાથ શિંદે રાજસ્થાનમાં ભાજપના પ્રચાર માટે જઇ આવ્યા. તેઓ મંગળવારે તેલંગણામાં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે જવાના છે. તેમના પક્ષના પ્રધાન સંજય રાઠોડ તો પહેલેથી જ તેલંગણા પહોંચી ગયા છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાન પ્રફૂલ પટેલ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સુનીલ તટકરેનો ભાજપ પ્રચાર માટે ઉપયોગ કરી શકી હોત. મહારાષ્ટ્રની આસપાસ આવેલ રાજ્યમાં તેનો ફાયદો પણ થયો હોત. જોકે કેન્દ્રીય ભાજપે તેનો વિચાર જ ન કર્યો એમ લાગી રહ્યું છે.
મધ્ય પ્રદેશ અને તેલંગણા આ રાજ્યોમાં મહારાષ્ટ્ર ભાજપના વીસ-વીસ વિધાનસભ્યોને બે મહિના પહેલાં જ મોકલવામાં આવ્યા હતાં. ચૂંટણી નજીક આવતા કેટલાંક નેતાઓ ગયા હતાં. દેવેન્દ્ર ફડણવીસ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન જેવા મોટા નેતાઓએ સભાઓ લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના એક વરિષ્ઠ નેતાએ સ્પષ્ટ કર્યુ હતું કે, પ્રચાર અભિયાનમાં કોનો સમાવેશ કરવો એનો નિર્ણય દિલ્હીમાં આવેર પાર્ટી ઓફીસમાંથી થાય છે. અમને આદેશ આવે એ રીતે અમે અન્ય રાજ્યમાં પક્ષના નેતાઓને મોકલવાની તૈયારી કરીએ છીએ. મિત્ર પક્ષના નેતાઓની સભા, પ્રચાર પ્રવાસનું આયોજન પણ દિલ્હીથી થતું હોય છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજિત પવાર જૂથના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમારા પક્ષે આ પાંચ રાજ્યોમાંથી એકપણ રાજ્યમાં ઉમેદવારી નોંધાવી નથી. અમે ભાજપના મિત્રપક્ષ છીએ. સામાન્ય રીતે મિત્રપક્ષ પાસેથી ચૂંટણી પ્રચારમાં મદદ લેવા માટે અધિકૃત રીતે કોઇ વિનંતી કરવામાં આવે છે. અમે આ ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રચાર અંગે કોઇ પૂછવામાં આવ્યું નહતું.
માત્ર ભાજપ જ નહીં પણ શરદ પવારની રાષ્ટ્રવાદી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના કોંગ્રેસ સાથે ઇન્ડિયા એલાયન્સમાં છે થતાં કોંગ્રેસે પણ આ મિત્ર પક્ષોને પ્રચાર માટે વિનંતી કરી નહતી.