‘હિંજેવાડી IT પાર્ક બરબાદ થઈ રહ્યો છે’ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન અજિત પવારે ગુસ્સો ઠાલવ્યો | મુંબઈ સમાચાર

‘હિંજેવાડી IT પાર્ક બરબાદ થઈ રહ્યો છે’ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન અજિત પવારે ગુસ્સો ઠાલવ્યો

પુણે: ભારતના આઈટી હબ ગણાતા બેંગલુરુ અને હૈદરાબાદ સાથે સ્પર્ધા કરવા માટે મહારાષ્ટ્ર સરકારે પુણે પાસે હિંજેવાડી વિસ્તારમાં આઈટી પાર્ક વિકસાવ્યો (Hinjewadi IT Park, Pune)છે, પરંતુ આ આઈટી પાર્ક ખાતે સામાન્ય માળખાગત સુવિધાના આભાવને કારણે અહીં કામ કરતા આઈટી પ્રોફેશનલ્સ તકલીફોમાંથી પસાર થઇ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. એવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર ગઈ કાલે વહેલી સવારે આ વિસ્તારની સરપ્રાઈઝ વિઝીટ માટે (Ajit Pawar surprise visit) પહોંચ્યા હતાં. આ દરમિયાન તમણે સ્થાનિક અધિકારીઓ અને સરપંચને કડક શબ્દોમાં ઠાકો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ આઈટી પર બરબાદ થઇ રહ્યો છે, કંપનીઓ બીજા રાજ્યોમાં જઈ રહી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે છેલ્લા 15 દિવસમાં હિંજેવાડી આઈટી પાર્કની આ બીજી વાર મુલાકાત લીધી હતી. છેલ્લા ઘણા સમયથી અહીં સ્થિત આઈટી કંપનીઓના કર્મચારીઓ નબળી માળખાગત સુવિધા અંગે ફરિયાદો કરી રહ્યા છે. આઈટી પાર્કમાં વારંવાર પાણી ભરાવા, ટ્રાફિક જામ અને વીજ પુરવઠો ઠપ્પ થઇ જવો જેવી સમસ્યાઓ ઉદ્ભવી છે, જેને કારણે કંપનીઓ દેશના બીજા રાજ્યોમાં શિફ્ટ થઇ રહી છે. ગયા વર્ષે જૂનમાં, હિંજેવાડી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (HIA) એ આપેલી માહિતી મુજબ 37 IT કંપનીઓ આઈટી પાર્કમાંથી બહાર શિફ્ટ થઇ ગઈ હતી.

સવારે 6 વાગ્યે સરપ્રાઈઝ વિઝીટ:

નેશનાલિસ્ટ કોંગ્રેસના વડા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર ગઈ કાલે શનિવારે સવારે 6 વાગ્યાની આસપાસ હિંજેવાડી આઇટી પાર્કની ઓચિંતી મુલાકાત પર પહોંચ્યા હતાં. આ મુલાકાત દરમિયાન સ્થાનિક સરપંચને ઠપકો આપતા અજીત પવારની એક વિડિઓ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

વિડીયોમાં અજીત પવાર સ્થાનિક સરપંચ ગણેશ જાંભુળકરને ઠપકો આપતા જોવા મળે છે. સરપંચ હિંજેવાડી વિસ્તારમાં રસ્તો 36 મીટરને બદલે 18 મીટર સુધી પહોળો કરવા વિનંતી કરી રહ્યા હતા, ત્યારે પવાર ગુસ્સે ભરાયા હતાં. જોકે, પાછળથી પવારે સરપંચને ઠપકો આપવાના દાવા નકારી કાઢ્યા હતાં.

સ્થાનિક સરપંચ જાંભુળકરે મીડિયા સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે પવારે કહ્યું, “આ રીતે બધું ખતમ થઇ જશે. આખું હિંજેવાડી આઇટી પાર્ક પુણે અને મહારાષ્ટ્ર છોડીને બેંગલુરુ અને હૈદરાબાદ શિફ્ટ થઇ રહ્યું છે. શું કોઈને ચિંતા છે? તમે જે કહેવા માંગો છો તે કહો – હું સાંભળીશ – પણ હું યોગ્ય લાગશે તેમ પગલા ભરીશ. મારે સવારે છ વાગ્યે અહીં આવવાની શું જરૂર છે? આવું નહીં ચાલે, કડક પગલાં લેવા પડશે.”

https://twitter.com/i/status/1949174316836290977

ત્યારબાદ, અજીત પવારે X પર તેમની મુલાકાતના ફૂટેજ શેર કરીને લખ્યું, “પરિવર્તન આવી રહ્યું છે, પુણેવાસીઓની દરેક સમસ્યાનું નિરાકરણ થશે..!”

અજીત પાવરની આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC), પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA), જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ અધિકારીઓ પણ હાજર હતાં.

આપણ વાંચો:  મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ટ્રકે 20 થી વધુ વાહનને ટક્કર મારી, 20 લોકો ઘાયલ

મુખ્ય પ્રધાન ફડણવીસની બેઠક:

નોંધનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ મહિનાની શરૂઆતમાં એક બેઠક યોજી હતી, જેમાં આ વિસ્તારમાં સ્થાનિકોને પડતી સમસ્યાઓના ઝડપી ઉકેલની ખાતરી આપી હતી. ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાન અજીત પાવાર આ વિસ્તારની બે વાર મુલાકાત લઇ ચુક્યા છે.

મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કાર્પોરેશન (MIDC) દ્વારા વિકસાવવામાં આવેલ હિંજેવાડીમાં રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્ક વિકસાવવામાં આવ્યો છે, જે 2,800 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. આ આઈટી પાર્કમાં 200 થી વધુ કંપનીઓ આવેલી છે અને મહારાષ્ટ્રના IT નિકાસમાં 60 ટકાથી વધુ ફાળો માત્ર આ આઈટી પાર્ક આપે છે. પરંતુ કંપનીઓ આ આઈટી પાર્ક છોડીને બીજા રાજ્યોમાં શિફ્ટ થઇ રહી છે, જેથી રાજ્યસરકારની આવકમાં મોટું નુકશાન થઇ શકે છે.

નોંધનીય છે કે અગાઉ તાઈવાનની સેમીકંડકટર મેન્યુફેક્ચરર ફોકસકોને પ્લાન્ટ સ્થાપવા મહારાષ્ટ્રને બદલે ગુજરાતની પસંદગી કરતા રાજ્ય સરકારની ટીકા થઇ હતી.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button