એવું તે શું થયું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ Ajit Pawar ફોર્થ સીટ પર પ્રવાસ કરવો પડ્યો? વીડિયો થયો વાઈરલ…
હેડિંગ વાંચીને જો તમને એવું લાગી રહ્યું હોય કે ભાઈ આપણે તો ફોર્થ સીટ પર બેસીને પ્રવાસ કર્યો જ છે પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને એવી તે શું મજબૂરી આવી પડી કે ચોથી સીટ પર બેસીને પ્રવાસ કરવાનો વારો આવ્યો? ભલે માનવામાં ન આવે પણ આ હકીકત છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં એક કારનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો પરથી ઠાકરે જૂથે સત્તાધિશોને ગુવાહાટી પ્રકરણની યાદ અપાવીને મહેણું માર્યું છે. ઠાકરે જૂથના સુષમા અંધારેના ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ડ્રાઈવરે સેલ્ફી કેમેરાથી શૂટ કર્યો છે.
આ વીડિયોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આવીને ડ્રાઈવરની બાજુમાં બેસે છે અને બેસતાં પહેલાં તેઓ દરવાજા પાસે ઊભા રહીને સમર્થકોને અભિવાન કરે છે. દરમિયાન બેક સીટ વચ્ચે મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે બેઠેલા દેખાય છે. સીએમ શિંદે કારમાં બેસે એટલે એ જ બાજુએથી પાછળની સીટ પર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિન્ડો સીટ પકડે છે અને બીજી બાજુથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ ગાડીમાં બેસે છે. હવે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પાછળ પાછળ જ ભાજપના વિધાનસભ્ય ગિરીશ મહાજન પ્રવેશે છે અને બેસે છે. પવાર ગિરીશ મહાજનને જગ્યા કરી આપવા માટે થોડા અંદર ખસે છે અને બાવનકુળે પણ આગળની દિશામાં ખસીને બેસે છે.
પરિણામે એક બાજુથી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બીજી બાજુ ભાજપના વિધાનસભ્ય ગિરીશ મહાનને કારણે વચ્ચે ચંદ્રકાંત બાવનકુળે અને અજિત પવાર ચોથી સીટ પર બેસીને પ્રવાસ કરી રહ્યા હોય એમ સંકોચાઈને પ્રવાસ કર્યો હતો.
સુષમા અંધારેએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને સતાધારીઓને મહેણું મારતા કહ્યું હતું કે જર કેલી નસતી સુરત ગુવાહાટી તર કશાલા ઝાલી અસતી દાટીવાટી… (જો સુરત-ગુવાહાટીવાળી ના કરી હોત તો આ પરિસ્થિતિમાં ના મૂકાવવું પડ્યું હતું.) આ વીડિયો ચોક્કસ ક્યાંનો છે અને ક્યારે શૂટ કરવામાં આવ્યો છે એ બાબતની કોઈ માહિતી સામે આવી નથી.