પુણેના ઔદ્યોગિક જગતમાં ‘દાદાગીરી’, અજિત પવારે ફડણવીસના નિવેદન પર શું કહ્યું? | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પુણેના ઔદ્યોગિક જગતમાં ‘દાદાગીરી’, અજિત પવારે ફડણવીસના નિવેદન પર શું કહ્યું?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવું નિવેદન કર્યું હતું કે પુણે એક માહિતી ટેકનોલોજી અને ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું શહેર છે. મોટી અને પ્રખ્યાત કંપનીઓ પુણેમાં રોકાણ કરવા આતુર છે. જોકે, રોકાણકારો પર દબાણ કરવામાં આવે છે કે ‘ફક્ત અમારા લોકોને કામ આપો, અમને કોન્ટ્રાક્ટ આપો, અમે તમને કહીએ તે દરે કામ કરો.’ આવી દબાણયુક્ત માનસિકતાને રોકવામાં નહીં આવે, તો પુણેનો વિકાસ હાંસલ કરવો અશક્ય છે. તેમણે કહ્યું હતું કે ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રવેશી ગયેલી દાદાગીરી કમનસીબે પુણેના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. આ અંગે વિપક્ષે મહાયુતિ સરકાર પર નિશાન સાધતા એવો સવાલ કર્યો હતો કે પુણે એમઆઈડીસીમાં કોનો અત્યાચાર ચાલી રહ્યો છે તેનું નામ મુખ્ય પ્રધાને જાહેર કરવું. હવે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર સ્પષ્ટતા કરી છે.

અજિત પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ક્યાંય અત્યાચાર સહન કરવામાં આવતો નથી. અમે પુણેના પોલીસ કમિશનર અને પુણે ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બંનેને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે જો કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા લોકો ઉદ્યોગપતિઓને હેરાન કરી રહ્યા હોય, તો તેમની સામે કેસ દાખલ કરો અને કાર્યવાહી કરો. જો તેઓ ત્રણ-ચાર વખત કેસ દાખલ કરીને પણ સાંભળતા નથી, તો તેમના પર મકોકા લાદવાની સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે જવાબ આપ્યો કે માત્ર પુણે જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં ગમે ત્યાં રોકાણ કર્યા પછી આવતા ઉદ્યોગપતિઓને જે પણ મદદ અને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તે પૂરી પાડવી એ મહાયુતિ સરકારનું કામ છે, અને અમે તે કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: ‘શિસ્તબદ્ધ’ અજિત પવારે કોકાટેને રાજીનામું આપવા કહ્યું નહીં: એનસીપી (એસપી)…

દત્તાત્રેય ભરણેના નિવેદન પર શું કહ્યું?

દરેક વ્યક્તિ સરળ કામ કરે છે, પરંતુ લોકો ખોટા માર્ગે કરી આપેલા કામનો રેકોર્ડ રાખે છે અને અવળા કામને ફરીથી નિયમોના ચોકઠામાં ગોઠવીને કામ કરે તેની જ બોલબાલા છે, એમ રાજ્યના કૃષિ પ્રધાન દત્તાત્રેય ભરણેએ તાજેતરમાં જણાવ્યું હતું. આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે અજિત પવારે કહ્યું હતું કે કૃષિ પ્રધાન બનતા પહેલા તેમણે અધિકારીઓની એક બેઠક યોજી હતી. ત્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું. ક્યારેક, જો લોકો માટે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય અને તેને ઉકેલતી વખતે નિયમો અને મુશ્કેલીઓ આડે આવતી હોય, તો લોકોના હિત માટે, નિયમોને ક્યારેક થોડા બાજુ પર રાખવા પડે છે અને તે સમસ્યાનો ઉકેલ લાવવાનો રસ્તો શોધવો પડે છે. તે રસ્તો શોધતી વખતે, તે બંધારણ અને કાયદાના માળખામાં હોવો જોઈએ, બસ એટલું જ જરૂરી છે. ઘણીવાર, રાજ્ય સરકારને ખાસ કામ કરવાનો અધિકાર હોય છે. જો કોઈ ખેડૂત મુશ્કેલીમાં હોય, તો અમે કેબિનેટમાં કેટલાક નિયમો બાજુ પર રાખીને નિર્ણય લઈએ છીએ. તેમણે કહ્યું કે તે તેનો એક ભાગ છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button