મહારાષ્ટ્ર

2047 સુધીમાં વિકસિત ભારતના PM Modiના વિઝનને મજબૂત બનાવતું બજેટ અજિત પવારે રજૂ કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વચન આપ્યું છે. આ પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતાં, નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન અજિત પવારે આજે વિધાનસભામાં 2025-26 માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.

‘મહારાષ્ટ્ર હવે અટકશે નહીં… વિકાસમાં હવે વિલંબ થશે નહીં…’ એવી જાહેરાત કરતાં પવારે ભાર મૂક્યો કે આ બજેટમાં કૃષિ, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્યસંભાળ, પર્યટન, માળખાગત સુવિધાઓ અને સામાજિક વિકાસ માટે નોંધપાત્ર જોગવાઈઓ સામેલ છે. બજેટનો ઉદ્દેશ સ્થાનિક અને વિદેશી રોકાણ આકર્ષવાનો, રોજગાર અને સ્વરોજગારીની તકો ઊભી કરવાનો અને વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારો દ્વારા વ્યક્ત કરાયેલા વિશ્ર્વાસને પૂર્ણ કરવાનો છે.

પોતાનું અગિયારમું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે, અજિત પવારે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે તે મહારાષ્ટ્રના લોકોની અપેક્ષાઓ પર સફળતાપૂર્વક પૂર્ણ કરશે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર બજેટ 2025: કરવેરા આવકનો લક્ષ્યાંક ₹3.87 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો, માફી યોજનાની જાહેરાત…

બજેટ ભાષણની શરૂઆતમાં, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ, રાજમાતા જીજાઉ, છત્રપતિ શાહુ મહારાજ, મહાત્મા જ્યોતિરાવ ફુલે, ડો. બાબાસાહેબ આંબેડકર, અહિલ્યાબાઈ હોળકર, સાવિત્રીબાઈ ફુલે અને અન્નાભાઉ સાઠે સહિતના મહારાષ્ટ્રના આદરણીય નેતાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ભાર મૂક્યો હતો કે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ અને વિદેશી સીધાં રોકાણ (એફડીઆઈ)માં અગ્રેસર છે.

આપણ વાંચો: આવતીકાલે મહારાષ્ટ્રનું બજેટઃ અજિત પવાર રજૂ કરશે

દાવોસમાં વિશ્ર્વ આર્થિક મંચ (જાન્યુઆરી 2025) દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે 63 કંપનીઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી 15.72 લાખ કરોડ રૂપિયાનું રોકાણ સુનિશ્ર્ચિત થયું, જેનાથી આશરે 16 લાખ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

વધુમાં, બજેટમાં જીએસટી લાગુ થયા પહેલા અસ્તિત્વમાં રહેલા વિવિધ કર કાયદાઓ હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમોના બાકી લેણાંની પતાવટ માટે ‘ટેક્સ માફી યોજના’ રજૂ કરવામાં આવી છે. આ યોજનાને ‘મહારાષ્ટ્ર કર, વ્યાજ, દંડ અથવા લેટ ફી (જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે સમાધાન) અધિનિયમ, 2025’ નામ આપવામાં આવશે અને તે 31 ડિસેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button