પિંપરી-ચિંચવડના ગઢમાં અજિત પવારની ગેમ કરવાનો પ્લાન? પિંપરી ચિંચવડ મનપાની વોર્ડ રચના પર એનસીપી અજિત પવાર જૂથની નારાજી
ભાજપના વિધાન પરિષદના સભ્ય અમિત ગોરખેના એનસીપી પર પ્રહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીઓ માટે તૈયાર કરાયેલી ડ્રાફ્ટ વોર્ડ રચના 2017ની વોર્ડ રચનાનું પુનરાવર્તન દર્શાવે છે. આ વોર્ડ રચના ભારતીય જનતા પાર્ટી માટે અનુકૂળ હોવાનું જાણવા મળતાં જ, શહેરમાં એનસીપી અજિત પવાર જૂથે આ વોર્ડ રચના પર વાંધો ઉઠાવવાનો નિર્ણય લીધો છે. તેથી, ચૂંટણી પહેલા જ મહાયુતિમાં સંઘર્ષનું ચિત્ર જોવા મળી શકે છે. એનસીપી અજિત પવાર જૂથ પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સ્વબળે લડવાની તૈયારી કરી રહી છે.
પિંપરી-ચિંચવડ શહેર અજિત પવારના ગઢ તરીકે ઓળખાય છે. એનસીપી લાંબા સમયથી આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં છે. 2017ની ચૂંટણીમાં ચાર સભ્યોની વોર્ડ વ્યવસ્થા ઘડી કાઢવામાં આવી હતી. તે મુજબ, 32 વોર્ડમાં 127 કોર્પોરેટરો હતા. ભારતીય જનતા પાર્ટીને આ ચાર સભ્યોની વોર્ડ રચનાનો ફાયદો થયો. ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં અને અજિત પવારની એનસીપીને વિપક્ષમાં બેસવું પડ્યું હતું.
આ પણ વાંચો: આપણે બરબાદ થઈ ગયા છીએ, હિંજેવાડી આઈટી પાર્ક મહારાષ્ટ્રની બહાર જઈ રહ્યો છે: અજિત પવાર
દરમિયાન, આ વોર્ડ રચના 2017નું પુનરાવર્તન છે. અમે આ અંગે વાંધો લેવા જઈ રહ્યા છીએ, આ વખતે અમારી બેઠકો 100થી વધુ હશે. 2017 દરમિયાન થોડી ગડબડ થઈ હતી. આનો જવાબ હજુ પણ અમારા નેતા અજિત પવારના મનમાં છે, એમ એનસીપીના વરિષ્ઠ નેતા વિલાસ લાંડેએ મંગળવારે જણાવ્યું હતું.
બીજી તરફ, ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જે વોર્ડ રચના પ્રકાશિત કરવામાં આવી છે તે ખૂબ જ યોગ્ય છે. ભાજપના નેતાઓ એનસીપીના નેતાઓને લોકો સુધી પહોંચ બનાવવાની સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચો: માણિકરાવ કોકાટે પર અજિત પવારે મૌન તોડ્યું, મોટી કાર્યવાહી કરવાની તૈયારી?
જો તમે લોકોનો વિશ્ર્વાસ જીતી શકતા નથી, તો તમે નકામા છો, એમ ભાજપના વિધાન પરિષદના સભ્ય અમિત ગોરખેએ મંગળવારે જણાવ્યું હતું. આ ડ્રાફ્ટ વોર્ડ માળખા અંગે વાંધા અને સૂચનો ચોથી સપ્ટેમ્બર સુધી નોંધવામાં આવશે. ત્યારબાદ મળેલા વાંધા અને સૂચનો પાંચમી સપ્ટેમ્બરથી બારમી સપ્ટેમ્બર સુધી સાંભળવામાં આવશે. આ પછી, આ ડ્રાફ્ટ વોર્ડ માળખાને ત્રીજીથી છઠી ઓક્ટોબર દરમિયાન સરકારને મોકલવામાં આવશે અને ત્યાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
હવે આ બધા રાજકારણને ભાજપની 2029માં સ્વબળે ચૂંટણી લડવાની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહી છે. અજિત પવારને તેમના ગઢમાં જ પછડાટ આપીને જો ભાજપ ફરી એક વખત પિંપરી-ચિંચવડમાં સત્તા મેળવવામાં સફળ થશે તો ભાજપને માટે મોટો વિજય ગણાશે, પરંતુ અજિત પવારને માટે મોટો ફટકો બની રહેશે. આ જ મુદ્દે બંને વચ્ચે સંઘર્ષના એંધાણ જણાઈ રહ્યા છે. હવે આગામી દિવસોમાં આ ઘટનાક્રમ ક્યો વળાંક લે છે તે જોવાનું રહેશે.