સરપંચની હત્યાના કેસમાં પક્ષના જોડાણને અવગણીને પગલાં લેવા મુખ્ય પ્રધાનને જણાવ્યું છે: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે, બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં, તેમ છતાં તેમણે તેમના પક્ષના નેતા અને કેબિનેટના સાથી ધનંજય મુંડેનો બચાવ પણ કર્યો હતો.
નવમી ડિસેમ્બરે મસ્સાજોગના સરપંચ દેશમુખની હત્યા કરવામાં આવી હતી. રાજ્ય સીઆઈડીની વિશેષ તપાસ ટીમ દ્વારા હત્યા કેસ અને હત્યા સાથે સંબંધિત ખંડણી કેસની તપાસ કરવામાં આવી રહી છે.
‘મેં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કહ્યું છે કે સરપંચની હત્યામાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે, પછી ભલે તે વ્યક્તિ કોઈપણ પક્ષ સાથે સંકળાયેલો હોય. ફડણવીસે પણ કહ્યું છે કે આ ક્રૂર હત્યા સાથે સંકળાયેલા બધા જ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે,’ એમ અજિત પવારે પુણેમાં પત્રકારોને જણાવ્યું હતું.
મુંડેના રાજીનામા માટે વિવિધ વર્ગો તરફથી કરવામાં આવી રહેલી માગણી અંગે પૂછવામાં આવતાં પવારે કહ્યું હતું કે, તેમણે મને કહ્યું છે કે તેઓ દેશમુખની ક્રૂર હત્યામાં સામેલ નથી.
‘કોર્ટ, એસઆઈટી, સીઆઈડી સરપંચ હત્યા કેસની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં,’ એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું.
શું મુંડેએ નૈતિક ધોરણે ફડણવીસ સરકારમાંથી રાજીનામું આપવું જોઈએ કે નહીં, તે અંગે પૂછવામાં આવતા, પવારે એવો દાવો કર્યો હતો કે, ‘તેમણે કહ્યું છે કે તેઓ આ કેસ સાથે દૂર દૂર સુધી જોડાયેલા નથી. તેમણે એમ પણ કહ્યું કે કોઈપણ એજન્સી આ કેસની તપાસ કરી શકે છે. આરોપો લગાવનારા લોકોએ તપાસ એજન્સીઓને પુરાવા સોંપવા જોઈએ.’
બીડના પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડે પર વિપક્ષો અને શાસક મહાયુતિના કેટલાક નેતાઓ દ્વારા પણ ટીકા આવી રહી છે કારણ કે સરપંચની હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસના મુખ્ય આરોપી વાલ્મિક કરાડ તેમના નજીકના સહાયક છે. આ હત્યાને પગલે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આપણ વાંચો: બીડના સરપંચ હત્યા: ધનંજય મુંડેના રાજીનામાની માગણી મુદતપૂર્વ: ભુજબળ
પુણેમાં ગુનાને નિયંત્રણમાં રાખવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોય તો ક્યાંક કચાશ રહી ગઈ હોઈ શકે છે: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે કહ્યું હતું કે જો પોલીસ પુણેમાં ગુનાઓ પર લગામ લગાવવામાં નિષ્ફળ ગઈ હોય તો તેમાં તેમની ક્યાંક કચાશ રહી ગઈ હોઈ શકે છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ગુરુવારે કહ્યું હતું કે જો પોલીસને તમામ માળખાકીય સુવિધા આપવામાં આવી હોવા છતાં અને તેમના કામમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ ન હોવા છતાં તેઓ પુણેમાં ગુનાખોરી પર લગામ લગાવવામાં નિષ્ફળ ગઈ હોય તો ક્યાંક કચાશ રહી ગઈ હોઈ શકે છે.
મહારાષ્ટ્રનું બીજું સૌથી મોટું શહેર ઘણીવાર ‘કોયતા’ ગેંગ માટે સમાચારમાં રહે છે, જે વિરોધીઓને મારવા માટે ઉપયોગમાં લેવાતા કોયતા જેવા હથિયારો પરથી નામ પડ્યું છે. આમાંના ઘણા હુમલા સીસીટીવીમાં કેદ થાય છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભય અને તકલીફ વધે છે.
આ ગેંગ વિશે પૂછવામાં આવતા પવારે કહ્યું હતું કે, ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (જે ગૃહ વિભાગ સંભાળે છે) આ કેસોની ગંભીર નોંધ લીધી છે. આ વિસ્તારના પ્રતિનિધિ (પવાર જિલ્લાના બારામતીથી વિધાનસભ્ય છે) હોવાને કારણે, મેં પણ આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે.’દરેક વ્યક્તિ જાણે છે કે પોલીસના કામમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ નથી, એમ પણ પવારે દાવો કર્યો હતો.
‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, નવી ઓફિસો અને માનવશક્તિની દ્રષ્ટિએ વિવિધ સુવિધાઓ આપવામાં આવી હોવા છતાં, જો પોલીસ આ ગુનાઓ પર લગામ લગાવવામાં અસમર્થ હોય, તો તે દર્શાવે છે કે દળમાં વરિષ્ઠ અધિકારીઓ ક્યાંક કચાશ ધરાવે છે. જો તેઓ પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી, તો તેમણે તે સ્વીકારવું જોઈએ અને અમે ગુનાને નિયંત્રિત કરવા માટે વધુ સારા અધિકારીઓ લાવીશું,’ એમ એનસીપીના વડાએ કહ્યું હતું.
ગુનાખોરીના મુદ્દા પર તેઓ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વાત કરશે એમ ભારપૂર્વક જણાવતાં, પવારે ભારપૂર્વક કહ્યું હતું કે, રાજ્ય સરકારની ફરજ છે કે તેઓ (નવેમ્બર વિધાનસભા ચૂંટણીમાં) મોટા પાયે જનાદેશ મળ્યા પછી નાગરિકોની અપેક્ષાઓ પર ખરા ઉતરે. (એજન્સી)