અજિત પવારનો પક્ષ વધુ તૂટે તેવી શક્યતા! પુણેમાં અજિત પવારની NCP નેતાઓ સાથે બેઠક
પુણે: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર(Ajit Pawar)ની રાજકીય મુશ્કેલીઓ વધી રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને માત્ર એક સીટ રાયગઢ પર જ જીત મળી હતી. ગઈ કાલે પિંપરી ચિંચવડ(Pimpri Chinchwad)ના મોટા નેતાઓએ પણ તેમનો સાથ છોડી દીધો હતો. અજિત પવારે આજે ગુરુવારે પુણેમાં પિંપરી ચિંચવડના નેતાઓ સાથે બેઠક યોજી હતી.
પિંપરી ચિંચવડના ચાર ટોચના નેતાઓએ અજિત પવારની NCPથી અલગ થવાની જાહેરાત કરી હતી, તેઓ હવે શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. પિંપરી ચિંચવડ યુનિટના પ્રમુખ અજિત ગવહાણેએ પોતાનું રાજીનામું અજિત પવારને મોકલી આપ્યું છે.
અજીત ગવહાણે ઉપરાંત 25 નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી., પિંપરી-ચિંચવડ એકમના વરિષ્ઠ NCP નેતાઓ, રાહુલ ભોસલે, પંકજ ભાલેકર અને યશ સાનેએ પાર્ટી છોડી દીધી હતી. અજિત પવારની NCP વધુ તૂટે એવી શકયતા છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે અજિત પવારના વિધાનસભ્યો પણ તેમની પાર્ટી છોડી દેશે. જેનું ડેમેજ કંટ્રોલ કરવા અજીત પાવરે પુણેમાં પિંપરી ચિંચવડના નેતાઓ સાથે બેઠક કરી છે.
આ બધા વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ અજીત પવારની ચિંતામાં વધારો કર્યો છે. RSSએ એક દિવસ પહેલા એક લેખમાં ભાજપને સલાહ આપતા લખ્યું હતું કે તેભાજપે NCP અજીત જૂથ સાથે ગઠબંધન તોડી નાખવું જોઈએ.
આરએસએસની આ ટિપ્પણી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. આ લેખ સંઘના સાપ્તાહિક સામાયિકમાં પ્રકાશિત થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2023 માં એનસીપી સાથે ગઠબંધન કર્યા પછી, ભાજપ વિરુદ્ધ જનતાની લાગણી ઝડપથી વધી છે, જેના પરિણામે મહારાષ્ટ્રમાં તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે ખરાબ પ્રદર્શન કર્યું હતું.