એનસીપીના પ્રધાને ‘ગરીબ જિલ્લો’ કહીને મજાક ઉડાવી, અજિત પવાર, ભાજપ નાખુશ
મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપીના પ્રધાન નરહરિ ઝીરવાળે હિંગોલીને ‘ગરીબ’ જિલ્લો ગણાવીને રમુજ કરી તેને પગલે તેમના પક્ષના વડા અજિત પવાર અને ભાજપના કેબિનેટ સાથી ગિરીશ મહાજનની ટીકાનો સામનો કરવો પડ્યો છે.
નાસિક જિલ્લાના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નજીકના સહયોગી ઝીરવાળે રવિવારે હિંગોલી જિલ્લામાં એક સભાને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી, જેના તેઓ પાલક પ્રધાન છે.
‘હું પહેલીવાર કેબિનેટ પ્રધાન અને પાલક પ્રધાન તરીકે અહીં (હિંગોલી)માં આવ્યો છું. મને સમજાયું છે કે આ એક સીમાંત અને ગરીબ જિલ્લો છે. મુંબઈ પાછા ફર્યા પછી, હું (વરિષ્ઠોને) પૂછીશ કે મારા જેવા ગરીબ વ્યક્તિને ગરીબ જિલ્લાની જવાબદારી કેમ સોંપવામાં આવી છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: રાયગઢના પાલક પ્રધાનપદ માટે મારી ઉમેદવારીનો એનસીપીના સાંસદ સુનિલ તટકરેએ વિરોધ કર્યો: ભરત ગોગાવલે
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પ્રધાનની આ હળવાશભરી ટિપ્પણીથી શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું હતું. જોકે, આ ટિપ્પણીઓને અજિત પવાર અને મહાજન દ્વારા હળવાશથી સ્વીકારવામાં આવી નહોતી.
અજિત પવારે કહ્યું હતું કે, ‘જો તેમણે આવી ટિપ્પણીઓ કરી હોય, તો તે યોગ્ય રહેશે નહીં. દર મંગળવારે અમારી એક બેઠક હોય છે. હું તેમને આ વિશે પૂછીશ. જો કોઈ ગેરસમજ હશે, તો તેને દૂર કરવામાં આવશે.’
બીજી તરફ ગિરીશ મહાજને આ નિવેદનની ટીકા કરતા કહ્યું હતું કે, ઝીરવાલ એક વરિષ્ઠ નેતા છે. કોઈપણ જિલ્લાને ગરીબ કે અમીર તરીકે વર્ગીકૃત ન કરવો જોઈએ. આવી ધારણાઓ ઉભી કરવી બિનજરૂરી છે. તેઓ બુદ્ધિશાળી છે અને તેમણે ઉચ્ચ હોદ્દા સંભાળ્યા છે. તેમણે આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ.
આ પણ વાંચો: શિંદે, આ ‘થ્રી ઇડિયટ્સ’ બંધ કરો: શિવસેનાના વિધાનસભ્યએ એનસીપીની આકરી ટીકા
ભારે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યા બાદ ઝીરવાલે મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણીઓ વિવિધ વિકાસ પરિમાણો પર જિલ્લાની વર્તમાન સ્થિતિ વિશે હતી.
જ્યારે તમે ઔદ્યોગિક એકમો અથવા સિંચાઈ અથવા પીવાના પાણીની માળખાગત સુવિધાઓના નિર્માણ વિશે વાત કરો છો ત્યારે હિંગોલીની હાજરી ભાગ્યે જ જોવા મળે છે. મારી ટિપ્પણીઓને નિરાશાની અભિવ્યક્તિ તરીકે ન જોવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
મને અહીં કંઈક સારું કરવા માટે આ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.