અજિત પવાર અને અમિત શાહની મુલાકાત ફિકસ: આ મુદ્દાઓ પર થશે ચર્ચા
મુંબઈ: અજિત પવાર જ્યારથી શિંદે – ફડણવીસ સરકારમાં સામેલ થયા છે ત્યારથી એક યા બીજી રીતે તેઓ ચર્ચામાં છે. શિંદે જૂથ અને અજિત પવાર જૂથ વચ્ચે મનભેદ અને મતભેદ હોવાની અફવાઓ પણ ઘણી વાર ફેલાઈ હતી. થોડા સમય પહેલા જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અચાનક દિલ્હીના પ્રવાસે ગયા હતા. ત્યારે પણ અજિત પવાર એમની સાથે ના હોવાથી યુતિમાં ભાંગણની ચર્ચાઓ થઈ રહી હતી. જોકે આ બધાની વચ્ચે હવે અજિત પવારે જાતે દિલ્હી તરફ દોટ મૂકી છે. તેઓ દિલ્હી જઈ અમિત શાહ સાથે મુલાકાત કરશે તેવી જાણકારી જાતે અજિત પવારે આપી છે. ત્યારે હવે આ મુલાકાત રાજ્ય અને પ્રજાના પ્રશ્નો માટે છે કે પછી અજિત પવારના મનમાં કંઈ બીજું ચાલી રહ્યું છે તેની ચર્ચાઓ રાજકીય વર્તુળમાં થઈ રહી છે.
ખેતીના મુદ્દે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કાંદાનું ઉત્પાદન કરતા ખેડૂતો સહિત શેરડી અને દૂધ ઉત્પાદક ખેડૂતો દ્વારા ઠેર ઠેર આંદોલનો ચાલી રહ્યા છે. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળશે. રાત્રે દસ વાગે આ મુલાકાત થશે એવી જાણકારી જાતે અજિત પવારે આપી હતી.
રાજ્યમાં ઊભો થયેલો કાંદાનો પ્રશ્ન, ઇથેનોલ તથા દૂધના ભાવનો પ્રશ્ન જેવા મુદ્દાઓ પર અમિત શાહ સાથે ચર્ચા થવાની છે એમ અજિત પવારે જણાવ્યું હતું.
પવારે વધુમાં કહ્યું કે કાલે અમે અમિત શાહનો સમય લીધો હ્યોટે મુજબ અમિત શહે એમને સમય આપ્યો છે. શુક્રવારે એટલે કે 15મી ડિસેમ્બરના રોજ અને વિધાનસભાનું કામકાજ પૂરું થયા બાદ અમે દિલ્હી જઈશું. ત્યાં રાત્રે નવ કે દસ વાગે અમિત શાહ સાથે મુલાકાત થશે એમ અજિત પવારે જણાવ્યું હતું.