GBSની ચિંતા વચ્ચે અજિત પવારે લોકોને આપી આવી સલાહ…..

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે લોકોને અડધું રાંધેલું કે કાચું પાકુ રાંધેલું ચિકન ન ખાવાની અપીલ કરી હતી કારણ કે તેનાથી ગુઇલીન બેરે સિન્ડ્રોમ (GBS) ફેલાઈ શકે છે. પવારે એમ પણ જણાવ્યું હતું કે મરઘીઓને મારવાની કોઈ જરૂર નથી અને રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
પુણેમાં પત્રકારોને સંબોધતા અજિત પવારે મરઘાઓમાં રોગના ફેલાવા અંગેની ચિંતાઓને દૂર કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે મરઘીઓને મારવાની કોઈ જરૂર નથી માત્ર લોકોએ અડધું પડધું રાંધેલું ચિકન ખાવાનું ટાળવું જોઈએ.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ગુઇલિન બેરે સિન્ડ્રોમના સૌથી વધુ કેસ નોંધાયા છે. તાજેતરમાં પુણેના એક અન્ય વિસ્તારમાં જીબીએસનો ફેલાવો જોવા મળ્યો હતો, જેને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કેટલાક ગભરાયેલા લોકોએ GBS ફેલાવવાનું કારણ પાણીનું પ્રદૂષણ જણાવ્યું હતું ત્યારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ચિકન ખાવાથી આ રોગ થાય છે. આવી ચિંતાનો વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે મરઘીઓની મોટા પાયે કતલ કરવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો…કર્નાલા ફોર્ટમાં ટ્રેકિંગ પર ગયેલા પર્યટકો પર મધમાખીઓનો હુમલો, એકનું મૃત્યુ નવ જણ ઈજાગ્રસ્ત…
અજિત પવારે જણાવ્યું હતું કે આ રોગ અંગે ડૉક્ટરો પણ એવી સલાહ આપે છે કે ખાવા માટે રાંધવામાં આવતો ખોરાક યોગ્ય રીતે પકાવવો જોઈએ. રાજ્યમાં હાલમાં જીબીએસની સ્થિતિ નિયંત્રણમાં છે અને મરઘીઓને મોતને ઘાટ ઉતારવાની કોઈ જરૂર નથી. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે રાજ્યમાં જીબીએસનો એક નવો કેસ નોંધાયો હતો જેને કારણે રાજ્યમાં પુષ્ટિ થયેલા કેસોની કુલ સંખ્યા 208 થઈ ગઈ છે. જીબીએસ પ્રદૂષિત પાણી અને ખોરાક દ્વારા થઇ શકે છે.