પરણિત સગીરાની આત્મહત્યા બાદ પરિવારે તાત્કાલિક કર્યા અંતિમ સંસ્કાર, પોલીસે બે મહિના બાદ ગુનો નોંધ્યો

સોલાપુર: બે મહિના પહેલા એક પરણિત સગીરા દીકરીના આત્મહત્યાની પોલીસને જાણ ન કરતાં તેનું અંતિમ સંસ્કાર કરવાની ઘટના સોલાપુરમાં બની હતી. આ ઘટના અંગે હવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મહિલા અત્યાચારનો કેસ નોંધવામાં પોલીસની બેદરકારીનો ખુલાસો થયો છે. સૂત્રોએ માહિતી આપી હતી કે આ ઘટનાની જાણ પોલીસને બે દિવસ બાદ જ થઈ હતી, પણ બે મહિના કરતાં વધુનો સમય વીતી ગયા બાદ આ કેસની નોંધ કરવામાં આવી હતી.
24 ડિસેમ્બર 2023ના રોજ એક વિવાહિત સગીરાએ આપઘાત કર્યો હતો. તનુજા અનિલ શિંદે આ 14 વર્ષની સગીરાના તેના સંબંધીએ લગ્ન કરાવ્યા હતા. આ સગીરાનું એક બીજા ગામના વ્યક્તિ સાથે અફેર હતું. એક દિવસ મોડી રાતે આ યુવતી તેના પ્રેમી સાથે ભાગી જતી વખતે ધનાજી શિંદેએ તેમને જોયા હતા. આ ઘટનાને લઈને ધનાજીએ તેના ભાઈને બોલાવી તનુજા સાથે મારપીટ કરી તેને ફરી ઘરે લાવી હતી. જોકે આ વાતના માનસિક ત્રાસને લઈને તનુજાએ ઝેર પીને આપઘાત કર્યો હતો.
તનુજાએ આપઘાત કર્યા પછી તેના પર અંતિમ સંસ્કાર થયાના બે દિવસ બાદ એક વ્યક્તિએ આ ઘટનાની માહિતી પોલીસને આપી હતી. ઉલ્લેખનીય છે કે આપઘાત કરનાર યુવતી સગીરા હોવા છતાં 2021માં તેના લગ્ન કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાની પોલીસને માહિતી મળ્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી પોલીસના કામ પર પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે.
આ ઘટનામાં એક સગીરાના લગ્ન થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી અને તેના મૃતદેહનું અંતિમ સંસ્કાર કરી સાબૂત પણ નષ્ટ કરવાનો આરોપ તનુજાના પિતા અનિલ શિંદે, પિતરાઈ ભાઈઓ ધનાજી શિંદે અને સુનિલ શિંદે અને તેના પતિ ધનાજી શિવાજી જગતાપ પર કરવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ સાબૂત ન હોવાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.