ફેમિલી પ્લાનિંગના ઑપરેશન બાદ મહિલાઓ સાથે આવો વ્યવહારઃ હિંગોલીની હૉસ્પિટલનો ચોંકાવનારો કિસ્સો

નાગપુર: મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાંથી એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે, જેને કારણે ગ્રામીણ વિસ્તારની હોસ્પિટલમાં સ્વચ્છતા અને આરોગ્ય સાથે કેવા ચેડાં થાય છે તે જાણવા મળ્યું છે. અહીંના અખાડા બાલાપુર ગ્રામીણ હોસ્પિટલમાં આ ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ હોસ્પિટલમાં સર્જરી બાદ 43 મહિલાઓને કડકડતી ઠંડીમાં જમીન પર સુવાડવામાં આવી હતી. આ બધી મહિલાઓએ ફેમિલી પ્લાનિંગની સર્જરી કરાવી હતી. સર્જરી બાદ આ મહિલાઓને ઠંડીમાં જમીન પર સૂવાનો વારો આવ્યો હતો. એમ જાણવા મળ્યું હતું કે સર્જરી બાદ સુવા માટે હોસ્પિટલમાં કોઈ ખાટલા ઉપલબ્ધ ન હોવાથી મહિલાઓને જમીન પર સૂવું પડ્યું હતું.
શુક્રવારે ગામની મહિલાઓની ફેમિલી પ્લાનિંગ સર્જરી કરવામાં આવી હતી. જે બાદ તેઓને જમીન પર સુવાડવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે આ સર્જરી પછી મહિલાઓની સ્વચ્છતા અંગે પણ કાળજી લેવી જોઈએ, જે લેવામાં આવી નહોતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હોસ્પિટલ અને સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હિંગોલી જિલ્લાના અખાડા બાલાપુર ગ્રામીણ હોસ્પિટલમાં ગઈકાલે 43 મહિલાઓ પર કુટુંબ નિયોજન શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. ત્યાર બાદ હોસ્પિટલમાં ખાટલા ઉપલબ્ધ ન હોવાથી મહિલાઓને કડકડતી ઠંડીમાં જમીન પર સૂવા માટે મજબૂર થવું પડ્યું હતું.
નોંધનીય છે કે દરેક ગ્રામીણ હોસ્પિટલમાં કુટુંબ નિયોજન શસ્ત્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ તેની સરખામણીમાં પૂરતું મટીરિયલ સામગ્રી આપવામાં આવતી નથી, જેનો ભોગ ગ્રામીણ મહિલાઓએ બનવું પડે છે. આ હોસ્પિટલમાં કુટુંબ કલ્યાણ સર્જરી કરાવનાર 43 મહિલાઓને ઠંડીમાં જમીન પર સૂવાડવામાં આવી હતી.
આ બનાવ સંબંધિત હોસ્પિટલના દોષિત તબીબ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ નાગરિકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે.
કેટલાક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ 43 મહિલાઓની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. સર્જરી બાદ તેમની યોગ્ય કાળજી લેવી તેમજ સ્વચ્છતાના તમામ પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે, પરંતુ સર્જરી બાદ મહિલાઓને આ રીતે જમીન પર સુવડાવી દેવાતી હોવાથી ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે હોસ્પિટલમાં પૂરતા સાધનો છે કે કેમ.આ મામલે હોસ્પિટલ કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નિવેદન કે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ ગ્રામીણ હોસ્પિટલની આવી સ્થિતિ ચોંકાવનારી છે.
આ પણ વાંચો…લાડકી બહેન યોજના પર અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા છે? મહત્વની માહિતી …
આ ઘટના બાદ શિવસેના ઠાકરે જૂથના સાંસદ નાગેશ અષ્ટિકરે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મને આ ઘટનાની જાણ નહોતી. હું સંમેલનમાં હતો. હું આ સ્થળની મુલાકાત લઈશ અને જો ત્યાં આવું કંઈ થતું હશે તો તેની ચોક્કસ નોંધ લેવામાં આવશે. આ સારું નથી. જો સર્જરી પછી મહિલાઓને ફ્લોર પર સૂવડાવવામાં આવે છે, તો તે ખૂબ જ આઘાતજનક અને ખરાબ છે. આ કેસમાં જે પણ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ ખૂબ જ શરમજનક બાબત છે.