સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ બાદ ભાજપના વિધાનસભ્યની સુશાંત સિંહ મૃત્યુ કેસમાં એસઆઈટી નિયુક્ત કરવાની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય રામ કદમે બુધવારે એવો આરોપ લગાવ્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની સરકારે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના કેસમાં પુરાવાઓનો નાશ કર્યો હતો અને એવી માગણી કરી હતી કે દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં થનારી એસઆઈટીની તપાસમાં સુશાંત સિંહ રાજપુતની મૃત્યુની પણ તપાસ કરવામાં આવે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં રામ કદમે આ માગણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) દ્વારા ગયા અઠવાડિયે સુશાંત સિંહ રાજપુતના કથિત આત્મહત્યાના કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો.
કદમે કહ્યું હતું કે આ કેસ 68 દિવસ પછી સીબીઆઈને હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો. બિહાર પોલીસ જેમણે રાજપુતના મૃત્યુ સંબંધે ગુનો નોંધ્યો હતો, તેમને તપાસ હાથ ધરવા દેવામાં આવી નહોતી.
સુશાંતના ઘરને પુરાવા નાબુદ કર્યા બાદ મકાનમાલિકને સોંપી દેવામાં આવ્યું હતું. ઘરમાંથી ફર્નિચર કાઢી નાખવામાં આવ્યું હતું. ઘરમાં નવો રંગ કરવામાં આવ્યો હતો. એ બાબતની તપાસ થવી જોઈએ કે આ બધું પુરાવા નાબૂદ કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું?, એવો સવાલ રામ કદમે કર્યો હતો.
કદમે એવી પણ માગણી કરી હતી કેે ત્યારના મુખ્ય પ્રધાન અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેની અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પુરાવા નાબૂદ કરવામાં ભૂમિકાની તપાસ થવી જોઈએ. દિશા સાલિયાનના મૃત્યુની તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી એસઆઈટીને બંને કેસની તપાસ સાથે સોંપવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
નાના પટોલેએ આનો વિરોધ કરતાં કહ્યું હતું કે જ્યારે બંધારણના 75 વર્ષ પર ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બાબતની પરવાનગી કેવી રીતે આપી શકાય. આના વિરોધમાં વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.
આપણ વાંચો: આ પ્રધાને દિશા સાલિયાન ડેથ કેસમાં આપ્યું ચોંકાવનારું નિવેદન
બીજી તરફ પ્રધાન શંભુરાજે દેસાઈએ રાજ્ય સરકાર વતી બોલતાં કહ્યું હતું કે આ પહેલાં જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે દોષીને છોડવામાં આવશે નહીં. દિશાના પિતા દ્વારા પોલીસને આપવામાં આવેલી બધી જ માહિતીની તપાસ કરવામાં આવશે.
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વરુણ દેસાઈએ એવો સવાલ કર્યો હતો કે ભાજપ-શિવસેનાની સરકાર કેન્દ્રની ભાજપ સરકાર હેઠળ કામ કરતી સીબીઆઈને કેમ અવમુલ્યન કરી રહી છે?
સુશાંત કેસ પાંચ વર્ષ જૂનો છે. છેલ્લા ત્રણ વર્ષથી તમે જ સત્તામાં છો, એમ તેમણે કહ્યું હતું. શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે સરકાર સીબીઆઈની તપાસને પડકારવાનો કોઈ હેતુ ધરાવતી નથી. દિશાના પિતા પોલીસને મળ્યા હતા અને તેમણે એવું કહ્યું છે કે તેમની પાસે ઘણી નવી માહિતી છે. તેની તપાસ કરવી આવશ્યક છે.
તેમણે એવો ટોણો માર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની સરકારમાં હું રાજ્યકક્ષાનો ગૃહ પ્રધાન હતો અને ત્યારે મને શીખવવામાં આવ્યું હતું કે કોઈને અન્યાય ન થવો જોઈએ.