મહારાષ્ટ્ર

થાણેમાં ગાયમુખ ઘાટ પાસે મોટો અકસ્માત, ઘોડબંદર રોડ ભારે ટ્રાફિક જામ; મુસાફરી ટાળવા સલાહ…

થાણે: આજે શુક્રવારે વહેલી સવારે થાણેના ગાયમુખ ઘાટ પાસે ઘોડબંદર રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, સંખ્યાબંધ વાહનો એકબીજા સામે અથડાયા હતાં. આ અકસ્માતને પગલે નેશનલ હાઇવે 48 (NH-48) પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. સદભાગ્યે કોઈ જાનહાની સર્જાઈ નથી, કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી.

અહેવાલ મુજબ આજે સવારે શહેરમાંથી પસાર થતા સૌથી મહત્વપૂર્ણ રોડ નેશનલ હાઇવે 48 (NH-48) પર 7 વાગ્યાની આસપાસ પાંચ-થી છ વાહનો એક બીજા સાથે અથડાયા હતાં. અકસ્માતને કારણે મીરા રોડ અને ગુજરાત તરફના ટ્રાફિકને ગંભીર અસર પહોંચી છે, કેટલાક કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે.

અકસ્માત સ્થળના ચોંકાવનારા દ્રશ્યો:
અહેવાલ મુજબ ગાયમુખ ઘાટ નજીક એક વળાંક પાસે આ અકસ્માત સર્જાયો છે. અસ્કાસ્માત સ્થળના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જેમાં જોવા મળે છે કે કેટલીક કાર, બે ટ્રક અને રિક્ષા એકબીજા સાથે અથડાયા હતા, વાહનોને મોટું નુકશાન પહોંચ્યું છે. આટલા ગંભીર અકસ્માત છતાં કોઈ જાનહાનીના અહેવાલ નથી.

મુસાફરી ટાળવા સલાહ:
આ અકસ્માત સર્જાતા થાણે, મુંબઈના પશ્ચિમ ઉપનગરો અને ગુજરાતને જોડતા ઘોડબંદર રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. થાણેથી મીરા રોડ અને ગુજરાત તરફનો વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો, પિક અવર્સ દરમિયાન કામ પર જવા નીકળેલા લોકો ફસાયા હતાં. લોકોને ગાયમુખ ઘાટ તરફ મુસાફરી ટાળવા અથવા મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે.

તંત્રએ કાર્યવાહી શરુ કરી:
અકસ્માતની જાણ રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (RDMC) અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પહોંચ્યા હતાં અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.

ટ્રાફિક ઉકેલવા માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ પહોંચ્યા હતાં. અકસ્માતમાં સામેલ વાહનોને ક્રેઇનની મદદથી રસ્તા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિકને અન્ય રૂટથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે.અકસ્માત શા કારણે સર્જાયો એ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રારંભિક તપાસ મુજબ ઓછી વિઝિબીલીટી, વધુ ઝડપ અથવા ત્રીવ્ર વળાંકને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે.

આ પણ વાંચો…મોટરસાઇકલ-બસ વચ્ચેની ટક્કરમાં શખસનું મોત:36 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો એમએસઆરટીસીને આદેશ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button