મહારાષ્ટ્ર

થાણેમાં હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત: બાળકી સહિત છ ઘવાયા

થાણે: થાણેમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રેતી ભરેલા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવ્યા બાદ ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં એક વર્ષની બાળકી સહિત છ જણ ઘવાયા હતા.

અકસ્માતને કારણે એક કલાક માટે માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને ત્યાંથી હટાવાયા બાદ વાહનવ્યવહાર પૂર્વવત થઇ ગયો હતો. પોલીસે આ પ્રકરણે ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોંધી તેની શોધ આદરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર થાણેમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કેડબરી જંકશન બ્રિજ પર શનિવારે મધરાતે આ અકસ્માત થયો હતો, જેમાં રાહુલ જાવળે (35), સ્વાતિ જાવળે (35), એક વર્ષની શાંભવી જાવળે, સ્વરા જાવળે (12), પ્રિયંકા બાગુલ (38) અને શૌર્ય બાગુલ (16)ને ઇજા પહોંચી હતી.

આપણ વાંચો: દીવના દરિયામાં શિપ-બોટ વચ્ચે અકસ્માતઃ ત્રણ ખલાસીઓનો બચાવ, ચારની શોધખોળ ચાલુ

પ્રાપ્ત માહિતી મુજબ રેતી ભરેલું ડમ્પર મુલુંડ ચેકનાકાથી કાશેળી તરફ જઇ રહ્યું હતું ત્યારે કેડબરી જંકશન બ્રિજ પરથી ઊતરતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે ડમ્પર સામેથી આવી રહેલી ટ્રક સાથે ભટકાયું હતું.

ડમ્પરની ટક્કર બાદ ટ્રક કાર સાથે ભટકાઇ હતી. કાર મરીન ડ્રાઇવથી ઘોડબંદર રોડ પરના આનંદનગર ખાતે જઇ રહી હતી અને ટ્રક તેની સાથે ભટકાયા બાદ અંદર હાજર પ્રવાસીઓ ફસાઇ ગયા હતા.

દરમિયાન અકસ્માતની જાણ થતાં રાબોડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટ્રાફિક પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ તથા અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે કારમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા.

આ રેસ્ક્યુ ઓપરેશન એક કલાક સુધી ચાલ્યું હતું. આ અકસ્માતમાં ઇજા પામેલા છ જણને બાદમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button