વસઇમાં શસ્ત્રની ધાકે લૂંટના કેસનો ફરાર આરોપી 20 વર્ષ બાદ પકડાયો

પાલઘર: વસઇમાં ઓફિસમાં ઘૂસીને શસ્ત્રની ધાકે લૂંટના કેસમાં ફરાર આરોપીને પોલીસે 20 વર્ષ બાદ પકડી પાડ્યો હતો.
માર્ચ, 2005માં લૂંટની ઘટના બની હતી, જેમાં અડધો ડઝન જેટલા લૂંટારા વસઇના આંબડપાડા વિસ્તારમાં એક વ્યક્તિની ઓફિસમાંં ઘૂસ્યા હતા.
તેમણે એ વ્યક્તિને શસ્ત્રની ધાકે ધમકાવ્યો હતો અને 43,000 રૂપિયા, મોબાઇલ ઉપરાંત ઓફિસમાં રાખેલી રાઇફલ અને પિસ્તોલ લૂંટી હતી, એમ વાણગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટના બાદપોલીસે ભારતીય દંડસંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની શોધ ચલાવી હતી. આ કેસમાં પોલીસે 18 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ જણ ફરાર હતા, જેમાંના એકનું બાદમાં મૃત્યુ થયું હતું.
તાજેતરમાં પોલીસે ગુનામાં ફરાર આરોપી વિશે માહિતી મળી હતી. પોલીસે આરોપીને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલથી મંગળવારે પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ દેવ જન્યા ચિમડા તરીકે થઇ હતી. આ પ્રકરણે પોલીસે વધુ તપાસ આદરી હતી. (પીટીઆઇ)