સ્કિઝોફ્રેનિયાથી પીડાતા યુવાને કબ્રસ્તાનના કૅરટેકરનું ગળું ચીર્યું
નાગપુર: સ્કિઝોફ્રેનિયાથી પીડાતા યુવાને તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી કબ્રસ્તાનના વૃદ્ધ કૅરટેકરનું કથિત હત્યા કરી હોવાની ઘટના નાગપુર શહેરમાં બની હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના જરીપટકા પોલીસ સ્ટેશનની હદમાં મેકોસાબાગ વિસ્તારમાં રવિવારની બપોરે બની હતી. આ ઘટનામાં 39 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ ન હોવાનું અધિકારીનું કહેવું છે.
પકડાયેલા આરોપીની ઓળખ અનોન મિથિલા પ્યારેજી તરીકે થઈ હતી. મૃતક રમેશ લક્ષ્મણરાવ શિંદે (67) આરોપીના મિત્રનો પિતા હોવાનું પોલીસનું કહેવું છે.
આપણ વાંચો: ક્યાં છે કાયદો ને વ્યવસ્થા? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સની તલવારના ઘા ઝીંકીને હત્યા…
પ્યારેજી રવિવારે બાઈક પર કબ્રસ્તાન પહોંચ્યો હતો. શિંદે સાથે થોડી મિનિટ સુધી વાતચીત કર્યા પછી એકાએક આરોપીએ તીક્ષ્ણ હથિયારથી શિંદેનું ગળું ચીર્યું હતું. લોહીલુહાણ હાલતમાં શિંદે જમીન પર ફસડાઈ પડ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીને પકડી પાડી માર માર્યો હતો. બાદમાં તેને પોલીસના તાબામાં સોંપ્યો હતો.
દરમિયાન ગંભીર હાલતમાં શિંદેને માયો હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે જરીપટકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
સ્કિઝોફ્રેનિયાથી પીડાતો આરોપી વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)