Viral Video: હોર્ન વગાડવાના કિસ્સામાં ફોર્ચ્યુનર પર ચઢીને યુવકે ડોક્ટરને માર્યો

નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે. આઈટીઆઈ ચોક વિસ્તારમાં એક યુવકે ચાલતી કાર (એસયુવીની) છત પર ચઢીને વાહન ચલાવનાર ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ ઘટનાનું કારણ ફક્ત હોર્ન વગાડવાનું કહેવાય છે.
આ ઘટના આજે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. પ્રકાશ નાગરગોજે લોહા નામના ડોક્ટર માલકોલીમાં એક હોસ્પિટલ ચલાવે છે. રોજના માફખ તે પોતાની ફોર્ચ્યુનરમાં નાંદેડથી હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે આઈટીઆઈ ચોક પર અચાનક એક યુવક તેમની કારની ઉપર ચઢી ગયો અને હોર્ન વગાડવાના નજીવા કારણસર ગુસ્સામાં ડોક્ટરને મારવાનું શરૂ કર્યું.
જોકે, ડોક્ટરે સમજદારી દાખવી વાહનને પોલીસ સ્ટેશન તરફ લઈ જવાનું નક્કી કર્યું. આ દરમિયાન યુવક કારની છત પર બેસેલો રહ્યો હતો અને તેમને સતત મારતો રહ્યો. આ દરમિયાન રસ્તા પર હાજર અન્ય વાહનચાલકોએ આનો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે રસ્તા પર હાજર લોકોના ટોળાએ તબીબને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.
આપણ વાંચો: જાપાન એરલાઈન્સ પર સાયબર હુમલો, મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ થઈ પ્રભાવિત…
ડો. નાગરગોજે પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવીને યુવકને કસ્ટડીમાં લીધો હતો. સ્થાનિક પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઘટના અંગે ડૉ.નાગરગોજેએ જણાવ્યું કે તેઓ દરરોજ હોસ્પિટલ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ તેમની સાથે આવો બનાવ પહેલીવાર બન્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ડોક્ટરને આશ્વાસન આપ્યું છે કે યુવકની હરકત મુદ્દે કડક સજા કરવામાં આવે.