બોલો, મહારાષ્ટ્રનું એવું ગામ જેનું નામ નકશા પર જ નથી…
આ કારણસર ગામવાસીઓના થઈ રહ્યા છે બેહાલ
મુંબઈ: મહારાષ્ટ્રમાં એક એવું ગામ આવેલું છે જેનું મહારાષ્ટ્રના નકશા પર નામ નથી. આ ગામની કોઈ ઓળખ નહીં હોવાથી આ ગામ સુધી એક પણ સરકારી યોજના કે સુવિધાઓથી વંચિત છે. મહારાષ્ટ્રના નાંદેડના જિલ્લામાં કિનવટ તાલુકામાં ૨૫૦ લોકોની વસ્તી ધરાવનારા ગામનું નામ વાઘદરી છે. મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જુદા થયા બાદ મહારાષ્ટ્રમાં આવેલા આ ગામને હજી સુધી ચોપડે નોંધાયું નથી. આ ગામ રાજ્યના નકશા પર નહીં હોવાથી અહીંના નાગરિકોને અનેક પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે.
કિનવટ તાલુકાના ગામની મહેસૂલી ચોપડે નોંધણી ન હોવાથી આ ગામમાં કોઈ પણ સુવિધાઓ પહોંચી નથી. આ ગામમાં અંદાજે ૪.૫ હજાર હેક્ટર ખેતી માટેની જમીન છે, પણ મહેસૂલી ચોપડે નોંધણી ન હોવાથી આ જમીનના કોઈ પણ દસ્તાવેજ ઉપલબ્ધ નથી. દસ્તાવેજ ન હોવાથી સરકાર દ્વારા આપવામાં આવતી પાક વીમા અને ખેતી માટે આપવામાં આવતી આર્થિક મદદ નથી મળતી. આ ગામમાં કોઈ પણ જાતિ અને વન હક્ક જમીન પટ્ટો પણ નથી.
અહીંના લોકો પાસે મહારાષ્ટ્રના છે તેની ઓળખ માટે તેમની પાસે માત્ર આધારકાર્ડ અને રેશન કાર્ડ છે. આ ગામમાં પહોચવા માટે કોઈ રસ્તો પણ નથી. આ ગામમાં જવા માટે તમને ખેતરમાંથી જવું પડે છે. ૨૫૦ વસ્તીના ગામમાં જઈ આસિસટન્ટ જિલ્લા અધિકારીએ અહીંના નાગરિકોની મુલાકાત લઈ તમની સમસ્યા જાણી લીધી છે. હાલમાં આ ગામની ઇટીસી ગણતરી અને મેપિંગ કરવામાં આવી રહ્યું છે. આ બધી પ્રક્રિયા પૂર્ણ થતાં આ ગામને પણ મહારાષ્ટ્રના નકશામાં સામેલ કરવામાં આવે એવી આશા છે.
તેલંગણા રાજ્યની સીમા નજીક આવેલા ગામમાં જવા માટે કોઈ રસ્તાની સુવિધા નથી. જલધરા ગામથી સાત કિમી. સુધી જંગલના રસ્તે પ્રવાસ કરી માંજરીમાતા અને વાઘદરી સુધીના સાત કિ.મી.ના અંતરમાં એક પણ રસ્તો નથી. આ ગામના દરેક રહેવાસીઓને પગપાળા પ્રવાસ કરવો પડે છે. અનેક વખત ગર્ભવતી મહિલાઓ અને બીમાર લોકોને ઊચકીને બીજા ગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.
વરસાદમાં તો આ ગામમાં ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. તેથી આ ગામની મહેસૂલી ચોપડે નોંધણી કરી ગામને દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે એવી માગણી અહીંના રહેવાસીઓએ કરી છે