લાતૂરમાં ચારમાળની ઇમારતમાં ભીષણ આગ: ત્રણના મોત
લાતૂર: લાતુરના મધ્યમાં આવેલ શિવાજી મહારાજ ચોકમાં ફ્લાયઓવર બ્રિજ પાસેની એક બિલ્ડીંગમાં ગુરુવારે સવારે 8:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ આગમાં ત્રણનું મોત થયું હોવાની વિગતો જાણવા મળી છે. આગને કારણ મોટું નૂકસાન થયું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં જાણવા મળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને લગભગ એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર લાતૂરના છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં આવેલ ચાર માળની ઇમારતમાં ગુરુવારે સવારે અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગે રૌદ્ર રુપ ધારણ કર્યુ હતું. આ ઇમારતમાં આવેલ ઓટો મોબાઇલની શોપ અને ફોટો સ્ટુડિયોને મોટું નુકસાન થયું છે. આ આગ પહેલાં માળથી ફેલાઇને ધીરે ધીરે ચોથા માળ સુધી પહોંચી હતી. આગને કારણે દૂર દૂરથી ધૂમાડા દેખાઇ રહ્યાં હતાં. સ્થાનીકોએ આ અંગેની જાણકારી શિવાજીનગર પોલીસને આપી હતી. પોલીસને બનાવની જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં
આગને કાબૂમાં લાવવા માટે ફાયરબ્રિગેડના જવાનોએ અથાગ પ્રયાસો કરતાં એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આગને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થતાં પોલીસ દ્વારા રસ્તો થોડી વાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આગ ઓલવાતા ટ્રાફિક સેવા યથાવત કરવામાં આવી હતી. આ આગનું કારણે અને તેને કારણે થયેલ નુકસાનની હજી સુધી કોઇ જાણકારી મળી નથી. જોકે બપોર સુધી આગનું કારણે અને નુકસાનની વિગતો મળી જશે તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.