ઘરેથી ઝઘડો કરીને નીકળેલી યુવતી પર બદલાપુરમાં બળાત્કાર: યુવકની ધરપકડ
થાણે: ઘરેથી ઝઘડો કરીને નીકળેલી પરેલની યુવતી પર બદલાપુરમાં કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ડ્રગ્સ ભેળવેલી બિયર પીવડાવીને કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની યુવતીની ફરિયાદને આધારે પોલીસે યુવકની ધરપકડ કરી હતી, જ્યારે યુવકની સાથી મહિલાની શોધ હાથ ધરી હતી.
બદલાપુર ઈસ્ટ પોલીસ સ્ટેશનની સબ-ઈન્સ્પેક્ટર અનુ શર્માએ જણાવ્યું હતું કે 19 વર્ષની યુવતીની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1), 69 અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર પરેલના ભોઈવાડા પરિસરમાં રહેતી યુવતી થોડા દિવસ અગાઉ દાદી સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગઈ હતી. અંધેરી રેલવે સ્ટેશન બહાર તે બદલાપુરની રહેવાસી નાયરાને મળી હતી. નાયરા પણ પોતાનું ઘર છોડીને ભાગી આવી હતી. ઘરે પાછી ફરવા પૂર્વે યુવતી નાયરા સાથે એક હોટેલમાં રહી હતી.
આપણ વાંચો: ભરુચમાં બળાત્કારનો આરોપી જામીન પર બહાર નીકળતા ફરી આચર્યું દુષ્કર્મ
ગયા સપ્તાહે ફરી ઝઘડો કરીને યુવતી ઘરથી ભાગી ગઈ હતી અને નાયરાને મળી હતી. નાયરાએ યુવતીની ઓળખાણ દત્તા જાધવ (27) સાથે કરાવી હતી. દત્તા તેનો ભાઈ હોવાનો દાવો નાયરાએ કર્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે 21 ડિસેમ્બરે યુવતીને બદલાપુર લઈ જવાઈ હતી. ડ્રગ્સ ભેળવેલી બિયર પીવડાવવામાં આવતાં યુવતી બેભાન થઈ ગઈ હતી. બેભાન અવસ્થામાં દત્તાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો હતો. પોલીસે દત્તા જાધવની ધરપકડ કરી હતી અને નાયરાની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)