મહારાષ્ટ્ર

નાસિકમાં અડધી રાતે લાગેલી ભીષણ આગમાં ત્રણ દુકાનો બળીને ખાખ

નાસિક: જુના નાસિકના ચોક બજારમાં જહાંગીર મસ્જીદની નજીક આવેલ દુકાનોમાંથી ત્રણ દુકાનોમાં મંગળવારે (10, ઓક્ટોબર) મોડી રાત્રે બાર વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેને ઓલવવા માટે ફાયર બ્રિગેડને કલાકો લાગી ગયા હતાં. સદનસીબે આ આગને કારણે કોઇ જાન હાની થઇ નથી. પણ મોટી માલહાની થઇ છે.

જુના નાસિકના ચોક બજારમાં અનેક દુકાનો આવેલી છે. જેમાંથી પીરમોહના કબ્રસ્તાનને અડીને આવેલ કાલીમ રજા બુક ડેપો, મિર્ઝા બુક ડેપોસહિત વધુ એક દુકાનમાં આગ ભડકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આગ એટલી ભીષણ હતી કે કલાકોની જહેમત બાદ કાબૂમાં આવી હતી.

ઘટના સ્થળે લોકોની ભીડ ભેગી થતાં રાહત કામગીરીમાં અડચણો આવી હતી. કેટલાંક ઉત્સાહી યુવાનો ફાયર બ્રિગેડના જવાનોના હાથમાંથી પાણીની ઝૂંટવી પોતે પાણી છાંટવા લાગ્યા હતાં. જેને કારણે ફાયર બ્રેગેડના જવાનોને આગ ઓલવવામાં ઘણી મૂશ્કેલીઓ ઊભી થઇ હતી. લોકોની ભીડને કાબૂમાં લાવવા માટે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત કરવો પડ્યો અને પોલીસે ભીડને હટાવી ત્યાર બાદ આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

આ ત્રણે દુકાનોમાં વિવિધ પુસ્તકો, ધાર્મિક ગ્રંથ, કપડાં, સજાવટની સામગ્રી વગેરેનું વેચાણ થતું હતું. હાલમાં જ ઇદને કારણે આ દુકાનમાં કેટલીક લાઇટની સિરીઝ પણ વેચાણ માટે મૂકવામાં આવી હતી. રાત્રે સાડા દસ વાગે દુકાનો બંધ થયા બાદ પોણા બાર વાગે આગ લાગી હતી. અને જોત જોતામાં ત્રણે દુકાનોમાં આગ ફેલાઇ ગઇ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button