90 ટકા સરકારી સેવા વ્હોટ્સએપ પર અને દેશના સંપર્કવિહીન ગામમાં 4જી નેટવર્ક

બે જ મહિનામાં નાગરિકો માટેની 90 ટકા સરકારી
સેવા ડિજિટાઇઝ થઈ વ્હોટ્સએપ પર ઉપલબ્ધ થશે
દેશના સંપર્કવિહીન ગામોને હવે 4જી નેટવર્ક મળશે
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું કે નાગરિકો માટેની 90 ટકા સરકારી સેવાઓ આગામી બે મહિનામાં ડિજિટાઇઝ કરવામાં આવશે અને ટૂંક સમયમાં વોટ્સએપ પર ઉપલબ્ધ થશે.
ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે બીએસએનએલના સ્વદેશી 4જી નેટવર્કના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ના ‘સ્વદેશી’ 4 જી સ્ટેકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ટેલિકોમ ઉપકરણોનું ઉત્પાદન કરતા પ્રતિષ્ઠિત રાષ્ટ્રોમાં ભારતનો પ્રવેશ થયો છે.
બીએસએનએલની રજત જયંતિના અવસર પર વડાપ્રધાને 97 હજાર 500 મોબાઈલ 4 જી ટાવર પણ કાર્યરત કર્યા હતા, જેમાં દેશમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની 92 હાજર 600 4 જી ટેક્નોલોજી સાઇટ્સનો સમાવેશ થાય છે.
પુણેમાં આયોજિત કાર્યક્રમમાં ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે આ પ્રયાસને પગલે દેશના અનકનેક્ટેડ (સંપર્કવિહીન) ગામોને હવે 4જી નેટવર્ક મળશે. દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક વખત કહ્યું હતું કે ભારતના દરેક ગામને રોડ દ્વારા જોડવું જોઈએ કારણ કે તે વિકાસનો માર્ગ છે, અને તેમણે છ લાખ ગામડાઓ સુધી રોડ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી હતી. નાગરિકો માટે 1,100 સરકારી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં તે વોટ્સએપ પર આવશે. પરિણામે લોકોએ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નહીં પડે.
(પીટીઆઈ)