મહારાષ્ટ્રના પુણેમાં જૂનથી અત્યાર સુધીમાં ઝીકા વાયરસના ૬૬ કેસ
મુંબઈઃ પુણે શહેરમાં છેલ્લા બે મહિનામાં ઝિકા વાયરસના ઓછામાં ઓછા ૬૬ કેસ નોંધાયા છે. સંક્રમિત લોકોમાં ૨૬ સગર્ભા સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે પરંતુ તેમાંથી મોટાભાગનાની તબિયત સારી છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ વર્ષે શહેરમાં ઝીકા વાયરસ ચેપનો પ્રથમ કેસ ૨૦ જૂને એરંડવાને વિસ્તારમાં ૪૬ વર્ષીય ડૉક્ટરનો નોંધાયો હતો. ત્યાર બાદ તેમની ૧૫ વર્ષની પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ૬૬ કેસોમાંથી ચારના મૃત્યુ થયા છે, પરંતુ આ મૃત્યુ ઝીકાને કારણે નહોતા, પરંતુ દર્દીઓ સહવર્તી રોગો જેમ કે કાર્ડિયાક સમસ્યાઓ, યકૃતની બીમારીઓ, વૃદ્ધાવસ્થાથી પીડાતા હતા.
આ પણ વાંચો : પુણેના પૂરના જોખમને કાયમી ધોરણે દૂર કરવા માટે નવી નીતિ બનાવાશે: એકનાથ શિંદે
મૃત્યુ પછી તેમના રિપોર્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા હતા. આ ચાર દર્દીઓની ઉંમર ૬૮ અને ૭૮ ની વચ્ચે હતી. તેમ છતાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ, મહારાષ્ટ્ર સરકારની મૃત્યુ ઓડિટ સમિતિને તેમના અહેવાલો મોકલશે. અત્યાર સુધી, દેશમાં ઝીકાથી કોઈ મૃત્યુ નોંધાયું નથી.
સગર્ભા મહિલાને ઝિકા વાયરસને કારણે ગર્ભમાં માઇક્રોસેફાલી (એવી સ્થિતિ જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું નોંધપાત્ર રીતે નાનું હોય છે) થઈ શકે છે. વાયરસ ચેપગ્રસ્ત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ચેપને ફેલાવવા માટે પણ જાણીતા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સાવચેતીના પગલા તરીકે, મચ્છરોના પ્રજનનને રોકવા માટે ફોગિંગ કરવા જેવા પગલાં લઈ રહ્યું છે.
(પીટીઆઈ)