હરિયાણાના પિંજોરથી મહારાષ્ટ્રમાં ૩૪ દુર્લભ ગીધનું કરાયું સ્થાનાંતરણ

મુંબઈઃ આજે વર્લ્ડ અર્થ ડે નિમિત્તે હરિયાણાના પિંજોર ખાતેના ૩૪ લાંબી-ચાંચવાળા અને સફેદ-ચાંચવાળા બંને અત્યંત લુપ્તપ્રાય પ્રજાતિના ગીધ પક્ષીઓને મહારાષ્ટ્ર વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પક્ષીઓને પિંજોરના જટાયુ સંરક્ષણ સંવર્ધન કેન્દ્રથી મહારાષ્ટ્રમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
ભારતના ગીધ પુનર્વસન કાર્યક્રમના ભાગરૂપે ૨૦ લાંબી-ચાંચવાળા અને ૧૪ સફેદ-ચાંચવાળા મળીને ૩૪ કેપ્ટિવ-પ્રજનન ગીધને જેસીબીસીમાંથી રાજ્યના ત્રણ મુખ્ય સ્થળ મેલઘાટ, પેંચ અને તાડોબા-અંધારી વાઘ અભયારણ્યમાં સફળતાપૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. મધ્ય ભારતમાં અત્યંત લુપ્તપ્રાય ગીધની વસ્તીને પુનર્જીવિત કરવા માટે આ સ્થાનાંતરણ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાંથી વાઘને છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશા મોકલાશેઃ એનટીસીએની મંજૂરી
બેથી છ વર્ષની વયના ગીધને આરોગ્ય તપાસ બાદ પસંદ કરવામાં આવ્યા હતા જેથી તેઓ જંગલમાં મુક્ત રીતે રહી શકે. પર્યાવરણીય સંતુલન જાળવવા, જંગલમાં સફળ સંવર્ધનને ટેકો આપવા માટે પક્ષીઓને ત્રણેય સ્થળોએ કાળજીપૂર્વક વિતરિત કરવામાં આવ્યા હતા.
સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પક્ષીઓને ત્રણ એર-કન્ડિશન્ડ ટેમ્પો ટ્રાવેલર્સમાં ગીધદીઠ લાકડાના બોક્સમાં લાવવામાં આવ્યા હતા અને તેમને બે દિવસ અગાઉથી પ્રોટોકોલ મુજબ ખોરાક આપવામાં આવ્યો હતો.
આ ટીમનું નેતૃત્વ રુંદન કાટકર આરએફઓ,કોલ્સા, ટીએટીઆરએ કર્યું હતું, જેને પીટીઆરના પશુચિકિત્સક ડૉ. મયંક બાર્ડે, બીએનએચએસના વરિષ્ઠ જીવવિજ્ઞાની મનન મહાદેવ અને બે વન રક્ષકોએ સહયોગ આપ્યો હતો.
આ પણ વાંચો: સિંહના મૃત્યુના ચોંકાવનારા આંકડા: 2019 થી 2021 સુધીમાં 397 સિંહના થયા મોત
હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્ય વન્યજીવન વોર્ડન, વિવેક સક્સેના અને શ્રીનિવાસ રાવ અને બીએનએચએસ ના ડિરેક્ટર કિશોર રિઠેએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અને માર્ગદર્શન કર્યું હતું. બીએનએચએસ એ દેશમાં પિંજોર, ભોપાલ, રાજાભટખાવા (પશ્ચિમ બંગાળ) અને રાની, ગુવાહાટી (આસામ) ખાતે જટાયુ સંરક્ષણ સંવર્ધન કેન્દ્રો સ્થાપ્યા છે.
મહારાષ્ટ્ર વન વિભાગે સોફ્ટ રીલીઝ માટેના પ્રોટોકોલનું પાલન કરવા માટે વિદર્ભના ત્રણ વાઘ અભયારણ્યોમાં ત્રણ પ્રી-રીલીઝ એવિયરી સ્થાપિત કરી છે. પક્ષીઓ બે દિવસમાં તેમના સંબંધિત એવિયરી સુધી પહોંચવાની અપેક્ષા છે.
(પીટીઆઈ)