34 પિટિશનને છ વિભાગમાં વહેંચી નાખી, અધ્યક્ષના નિર્ણય કોનો ફાયદો
વિધાનસભા અપાત્રતા અંગેની સુનાવણી પૂરી થઈ, આગામી સુનાવણી 26 ઑક્ટોબરે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભ્ય અપાત્રતા પ્રકરણે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સમક્ષ શુક્રવારની સુનાવણી પૂરી થઈ હતી અને હવે આગામી સુનાવણી 26મી ઑક્ટોબરે હાથ ધરવામાં આવશે. શુક્રવારની સુનાવણીમાં પિટિશનની વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. 34 અલગ અલગ પિટિશનને હવે પછી છ અલગ વર્ગમાં વહેંચી નાખવામાં આવી છે. ઠાકરેના વકીલે શુક્રવારે વધુ એક પિટિશન દાખલ કરી હતી. કેટલાક ડોક્યુમેન્ટ શિંદે જૂથ પાસેથી માગવામાં આવ્યા હતા. 25 ઑક્ટોબર સુધી બધાએ પોતાના મત રજૂ કરવાના છે અને ત્યાર પછી એટલે કે 26 ઑક્ટોબરથી આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઠાકરે જૂથ દરેક સુનાવણીમાં એક નવી અરજી કરી રહી છે. જેને કારણે સુનાવણી લંબાઈ રહી છે, એમ રાહુલ નાર્વેકરે શુક્રવારે કહ્યું હતું.
અરજી પર અરજીઓ આવી રહી છે. અરજીઓ આવ્યા કરશે તો સુનાવણી લંબાતી જશે. સુપ્રીમ કોર્ટની પિટિશન અલગ છે. અહીંની પિટિશન અલગ છે. આ ટ્રિબ્યુનલ એટલે કે લવાદ છે. અહીં પ્રક્રિયા છે. અહીં ટ્રાયલ થાય છે, એમ નાર્વેકરે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે અહીં સુનાવણી ચાલી રહી છે તો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અહીં રજૂ કરો.