
નાગપુર: જરૂરિયાતમંદ વ્યક્તિઓની સાચી ઓળખનો ઉપયોગ કરી બોગસ કંપનીઓ કથિત રીતે રજિસ્ટર કરાવીને વેપારીઓના એક જૂથ દ્વારા આચરાયેલી 155 કરોડ રૂપિયાની ઠગાઈનો પર્દાફાશ કરી નાગપુર પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. આ કંપનીઓના માધ્યમથી આરોપીઓ કાળાં નાણાંના વ્યવહાર હવાલા દ્વારા કરતા હોવાનું તપાસમાં જણાયું હતું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ માટે આરોપીઓએ 50થી 60 બોગસ કંપનીઓ બનાવી હોવાનું પ્રથમદર્શી જણાયું હોવાથી ઠગાઈનો આંકડો વધવાની શક્યતા છે. આંચકાજનક બાબત એટલે આરોપીઓ ગુનો કરવા માટે વિવિધ રાજ્યની જરૂરિયાતમંદ વ્યક્તિઓની સાચી ઓળખનો ઉપયોગ કરતા હતા.
આપણ વાંચો: શેર બજારમાં ટ્રેડિંગના નામે આદિપુરના વ્યક્તિ સાથે ૩૯.૯૦ લાખની ઓનલાઇન ઠગાઈ
આ ઠગાઈ સૌપ્રથમ ઑગસ્ટ, 2024માં પ્રકાશમાં આવી હતી. ફરિયાદીના નામનો ઉપયોગ કરીને બોગસ કંપની ખોલવામાં આવતાં તેણે પોલીસ ફરિયાદ કરી હતી. લકડગંજ પોલીસે આ પ્રકરણે એફઆઈઆર નોંધ્યો હતો.
પશ્ર્ચિમ બંગાળમાં રહેતો અને ફૂડ સ્ટૉલ ચલાવતો ફરિયાદી બિશ્ર્વજીત રૉય પિતાના નિધન બાદ આર્થિક તંગીને કારણે જૂન, 2024માં નાગપુર આવ્યો હતો. મિત્ર સૂરજ ઉર્ફે પ્રીતમ કેડિયાએ રૉયની ઓળખાણ ‘વેપારીઓ’ બંટી શાહુ, જયેશ શાહુ, અવિનાશ શાહુ, રિશી લાખાણી, આનંદ હર્ડે, રાજેશ શાહુ, બ્રિજકિશોર મનિહાર અને અંશુલ મિશ્રા સાથે કરાવી હતી.
આરોપીઓએ રૉયને નામે બજારમાં નાણાં રોકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મહિને નફામાં ભાગ આપવાનું વચન આપ્યું હતું. કામધંધો ન હોવાથી હતાશ રૉયે આ માટે સંમતિ દર્શાવી હતી અને પોતાનાં આધાર અને પૅન કાર્ડ આપ્યાં હતાં. તેણે અનેક દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પછી તેને રાજેશ શાહુની માલિકીના વાઠોડા સ્થિત ગોદામમાં રહેવાની સગવડ કરી આપવામાં આવી હતી.
આપણ વાંચો: કોલકતામાં 50 લાખની ઠગાઈના કેસમાં ત્રણ આરોપી નાલાસોપારામાં પકડાયા
પોલીસે જણાવ્યું હતું કે ત્રીજી ઑગસ્ટ, 2024ના રોજ અવિનાશ શાહુએ રૉયના નામે સિમ કાર્ડ ખરીદ્યું હતું અને પોતાની પાસે રાખ્યું હતું. ઓટીપી વેરિફિકેશન માટે જોઈતું હોવાનું કહીને શરૂઆતના નફાના ભાગ તરીકે પચીસ હજાર રૂપિયા રૉયને આપવામાં આવ્યા હતા.
આરોપીએ રૉયની ઓળખ પર પ્રમાણિક જીએસટી નંબર સાથે કંપની રજિસ્ટર કરાવી હતી. પછી એ કંપનીનાં બે ખાતાં ખોલાવ્યાં હતાં. ત્યાર બાદ વાસ્તવિક વ્યવહાર કર્યા વિના સામાન માટે નકલી ઈન્વોઈસીસ તૈયાર કરાયાં હતાં. વિવિધ વ્યવસાયમાંથી પેમેન્ટ પ્રાપ્ત કરીને રકમ ઉપાડી લેતા અને રોકડમાં વળતર ચૂકવીને કાયદેસર વેપાર કરતા હોવાનું દર્શાવતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: હીરાવેપારી સાથે 48 લાખ રૂપિયાની ઠગાઈ…
9 સપ્ટેમ્બરથી 30 ડિસેમ્બર, 2024 દરમિયાન 96.39 કરોડ રૂપિયાના વ્યવહાર કરાયા હતા. આ જ રીતે મિથુન રાજપાંડેની ઓળખનો ઉપયોગ કરીને ઊભી કરાયેલી કંપની મારફત 59.51 કરોડ રૂપિયાના વ્યવહાર કરાયા હતા.
રૉયને તેના નામનો ઉપયોગ ગેરકાયદે ટ્રાન્ઝેક્શનમાં થયો હોવાની જાણ થતાં આરોપીઓએ આર્થિક વ્યવહાર બંધ કરી દીધા હતા અને રૉયને ધમકી આપી હતી. રૉયની ફરિયાદને આધારે ડીસીપી રાહુલ મકનીકરે તપાસના આદેશ આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક તપાસ બાદ ચાર આરોપી બંટી શાહુ, જયેશ શાહુ, રિશી લાખાણી અને બ્રિજકિશોર મનિહારની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)