સારવારને નામે 10 દિવસની બાળકીને લોખંડના સળિયાથી ડામ દેવાયા

નાગપુર: અમરાવતી જિલ્લામાં બનેલી આંચકાજનક ઘટનામાં પેટ ફૂલી જવાને કારણે સારવારને નામે 10 દિવસની માસૂમ બાળકીને લોખંડનો સળિયો ગરમ કરી ડામ દેવામાં આવ્યા હતા. નર્સને બાળકીના શરીર પર ડામનાં નિશાન નજરે પડતાં વૃદ્ધા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે બાળકીની માતાની ફરિયાદને આધારે ચિખલદરા પોલીસે શનિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1) તેમ જ બ્લૅક મૅજિક ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પૂછપરછ માટે આરોપી વૃદ્ધાને પોલીસે તાબામાં લીધી હતી.
આપણ વાંચો: નિષ્ઠુર માતા-પિતાઃ 5 દિવસની માસૂમ બાળકી પર પણ દયા ન આવી
પોલીસ ફરિયાદ અનુસાર અમરાવતી જિલ્લાના ચિખલદરામાં દહેન્દ્રી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 15 જૂને બાળકીનો જન્મ થયો હતો. જન્મના સપ્તાહ બાદ બાળકીનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બાળકીની સારવાર કરવામાં આવી રહી હતી.
દરમિયાન પચીસ જૂનની સાંજે બાળકીની માતાની કાકી મૈજુ કાસદેકર (60) ફરિયાદીના ઘરે આવી હતી. તે સમયે ફરિયાદી અને તેની સાસુ ઘરમાં હતી.
આપણ વાંચો: બજારમાં ફરતા બળાત્કારીને આઠ વર્ષની માસૂમ બાળકીએ ઓળખી લીધો
બાળકીનું પેટ ફૂલી ગયું હોવાથી તેની સારવાર માટે ‘ડમ્મા’ નામે વિધિ પડશે, એવી સલાહ વૃદ્ધાએ આપી હતી. જિલ્લાના આદિવાસી મેલઘાટ પ્રદેશમાં આ એક પ્રકારની અંધશ્રદ્ધાની પ્રવર્તતી હોવાનું ચિખલદરા પોલીસનું કહેવું છે.
વિધિને નામે વૃદ્ધાએ લોખંડના ગરમ સળિયાથી બાળકીના પેટ પર ડામ આપ્યા હતા, જેને પગલે બાળકી ગંભીર રીતે દાઝી હતી. શુક્રવારે આરોગ્ય કેન્દ્રની નર્સે તપાસતાં તેની નજર બાળકીના શરીર પરના ડામનાં નિશાન પર પડી હતી.
બાદમાં બાળકીને સારવાર માટે તાત્કાલિક અચલપુરની જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. સારવાર બાદ શનિવારે બાળકીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યારે બાળકી સ્વસ્થ હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)