લાડકી બહેન યોજના હેઠળ 1.7 કરોડ લાભાર્થીઓને નાણાં અપાયા: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે ‘માઝી લાડકી બહિણ’ યોજનાનો વ્યાપ રાજ્યની 2.5 કરોડ મહિલાને આવરી લેવા માટે વધારવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1.7 કરોડ મહિલાના ખાતાઓમાં નાણાં હસ્તાંતરિત કરી નાખ્યા છે.
મુખ્ય પ્રધાને શનિવારે રેશિમબાગ મેદાનમાં આ યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મહિલા તેમ જ બાળકલ્યાણ ખાતાના પ્રધાન અદિતી તટકરે હાજર હતા.
આ પણ વાંચો: …આ કારણે બે કરોડથી વધુ મહિલાઓ લાડકી બહેન યોજનાનો લાભ લેવા આગળ આવી
અમે સોનાના ચમચા સાથે જન્મ્યા નથી. અમે ખેડૂતોના પરિવારમાંથી આવીએ છીએ. અમને ગરીબીનો અનુભવ છે, અમે સમજીએ છીએ કે કેમ આવી યોજના આવશ્યક છે. અમને રૂ. 1,500નું મુલ્ય ખબર છે, એમ શિંદેએ કહ્યું હતું.
લાડકી બહિણ યોજના હેઠળ રાજ્યની 21થી 60 વર્ષની પરિણીત, છૂટાછેડા લેનારી અને નિરાધાર વિધવાને માસિક રૂ. 1,500 આપવામાં આવે છે. જેમાં પરિવારની વાર્ષિક રૂ. 2.5 લાખની આવકમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: …તો ‘લાડકી બહેનો’ને મળશે 1,500ના બદલે 4,000 રૂપિયા
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પહેલા તબક્કામાં 1.70 કરોડ મહિલાના ખાતામાં નાણાં જમા કરાવ્યા હતા.
આજે અમે બાવન લાખ મહિલાના ખાતાઓમાં નાણાં જમા કરાવ્યા છે અને અમે સુનિશ્ર્ચિત કરીશું કે બાકીની મહિલાઓના ખાતામાં પણ આ રકમ વહેલામાં વહેલી તકે વિતરિત કરવામાં આવે, એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ 2.5 કરોડ મહિલાને પહોંચાડવામાં આવશે.
શિંદેએ આ યોજનાની ટીકા કરી રહેલા વિપક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે આ યોજનાએ વિક્રમો તોડી નાખ્યા છે.
આ સરકાર પૈસા લેતી નથી, પરંતુ નાણાં આપે છે. વિપક્ષ પહેલાં કહેતો હતો કે ખાતામાં નાણાં આવશે જ નહીં, હવે તેઓ કહી રહ્યા છે કે નાણાં જમા થયા પછી તત્કાળ ઉપાડી લેજો, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.