સરપંચની હત્યા કેસમાં એનસીપીના નેતાનું નામ બહાર આવ્યુંઃ પાર્ટીએ હકાલપટ્ટી કરી

બીડ-મુંબઈઃ બીડ જિલ્લાના સરપંચના અપહરણ અને હત્યા કેસમાં અજિત પવારની પાર્ટી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના એક નેતાનું નામ બહાર આવતા તેની પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. નેતાની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. સરપંચની હત્યાના કારણે મરાઠા સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
હત્યાના બીજા જ દિવસે આષ્ટી વિધાનસભાની સીટના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્યએ આ મામલાની તપાસ માટે સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને એસઆઈટીની રચના કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે સંતોષ દેશમુખ માસાજોગમાં લોકપ્રિય સરપંચ હતા. પવનચક્કી કંપનીમાંથી ખંડણીમાં સામેલ ટોળકી દ્વારા તેનું અપહરણ કરીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં હોવાનું પ્રથમ નજરે જણાઈ રહ્યું છે. તેથી, હું એસઆઈટીની રચના માટે અપીલ કરું છું.
આ પણ વાંચો: શું અજિત પવાર-શરદ પવાર સાથે આવશે? શિવસેના નેતાનો મોટો દાવો
જ્યારે બીડના સાંસદ બજરંગ સોનાવણે કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા હતા અને હત્યા કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. દરમિયાન એનસીપીએ તેના નેતાને અને બીડના કેજ તાલુકામાં પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા આરોપી વિષ્ણુ ચૈતેને હાંકી કાઢ્યા હતા
મરાઠા સરપંચ સંતોષ દેશમુખનું ૯ ડિસેમ્બરે કેજ તાલુકામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ૨ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અપહરણ બાદ સંતોષની હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં વિષ્ણુ ચૈતે ઉપરાંત સુદર્શન ઘુલેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એનસીપી નેતા ધનંજય મુંડેના નજીકના વાલ્મિકી કરાડ પણ ખંડણી કેસમાં આરોપી છે. જોકે, મુંડેએ પોતે સંતોષ દેશમુખની હત્યાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને આ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવાની માંગ કરી હતી.